નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી-NCRમાં ગ્રીન ફટાકડા ફોડવા અંગે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે દિવાળી પહેલાં સાત નવેમ્બર અને તહેવારના દિવસે 8 નવેમ્બરે નિર્ધારિત સમય દરમિયાન ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. બંને દિવસે સવારે 6થી 7 વાગ્યા સુધી અને રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.
જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની બેન્ચે આ આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હોસ્પિટલો, નર્સિંગ હોમ, પ્રાથમિક અને જિલ્લા આરોગ્ય કેન્દ્રો, વૃદ્ધાશ્રમો તથા સાઇલન્સ ઝોનના 300 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવાની મંજૂરી નહીં હોય. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓને પણ ‘નો-ક્રેકર ઝોન’ જાહેર કરવામાં આવશે. આ માટે યોગ્ય સાઇન બોર્ડ લગાવવામાં આવશે અને જાહેર જાહેરાતો દ્વારા લોકોને જાણકારી આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે થયેલી સુનાવણી દરમિયાન ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે તે લોકોની લાગણીઓને સમજે છે અને ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી, પરંતુ નિયમોનું પાલન થવું જરૂરી છે.
#BREAKING: The Supreme Court has permitted the use of green firecrackers in Delhi-NCR on November 7 and 8, between 6 am and 7 am and 8 pm and 10 pm https://t.co/dwDaph29rV
— IANS (@ians_india) November 2, 2026
દિલ્હી સરકારે પ્રદૂષણનો સામનો કરવાની તૈયારી જણાવી
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા ઐશ્વર્યા ભાટીએ દિલ્હી સરકાર અને હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM) દ્વારા લેવામાં આવી રહેલાં પગલાંની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દિલ્હી સરકારે પ્રદૂષણનો સામનો કરવા માટે વિસ્તૃત કાર્યયોજના તૈયાર કરી છે. કેન્દ્ર સરકારે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે ફટાકડામાં બેરિયમના ઉપયોગ અંગે આંતરિક સ્તરે ચર્ચા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય માગવામાં આવ્યો છે.
ગ્રીન ફટાકડાની ઓળખ અંગે પણ ઊઠ્યા સવાલ
સુનાવણી દરમિયાન બજારમાં વેચાતા ફટાકડા ખરેખર ગ્રીન છે કે નહીં તેની પુષ્ટિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કોર્ટને મદદ કરી રહેલાં એમિકસ ક્યુરીએ જણાવ્યું હતું કે ફટાકડા ફોડવાથી મોટા પ્રમાણમાં હાનિકારક કણો બહાર આવે છે, જે શરીરમાં પ્રવેશીને ફેફસાં અને અન્ય અંગોને નુકસાન પહોંચાડી શકે છે.
શું હોય છે ગ્રીન ફટાકડા?
ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાની સરખામણીમાં ઓછું પ્રદૂષણ ફેલાવતા પર્યાવરણને અનુકૂળ ફટાકડા છે. તેને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR)ની રાષ્ટ્રીય પર્યાવરણ ઇજનેરી સંશોધન સંસ્થા (NEERI) દ્વારા વિકસાવવામાં આવ્યા છે.




