નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે લલિત મોદીની અરજીને નામંજૂર કરી હતી, જેમાં તેમણે ફેમાના ઉલ્લંઘન બદલ EDએ તેમના પર લાદેલો 10.65 કરોડ રૂપિયાના દંડ BCCI દ્વારા ચૂકવવામાં આવે તેવી માગ કરી હતી. જોકે ન્યાયમૂર્તિ પી. એસ. નરસિંહા અને આર. મહાદેવનની ખંડપીઠે કહ્યું હતું કે લલિત મોદી કાયદા મુજબ ઉપલબ્ધ દીવાની સુવિધાનો લાભ લેવા હકદાર છે.
બોમ્બે હાઇકોર્ટે ગયા વર્ષની 19 ડિસેમ્બરે લલિત મોદીની અરજીને નામંજૂર કરતાં તેમના પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમણે તેમની અરજીમાં ED દ્વારા ફેમાના ઉલ્લંઘન બદલ લાદવામાં આવેલ 10.65 કરોડ રૂપિયાનો દંડ BCCIએ ચૂકવવો જોઈએ તેવી માગ કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે આ અરજી તુચ્છ અને સંપૂર્ણ રીતે ખોટી છે, કારણ કે ફેમા કાયદા હેઠળ EDએ દંડ લાદ્યો છે.
લલિત મોદીએ તેમની અરજીમાં દલીલ આપી હતી કે તેમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા અને આ દરમ્યાન તેઓ BCCIની એક ઉપસમિતિ – ઇન્ડિયન પ્રીમિયર લીગના અધ્યક્ષ પણ હતા. E અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCIએ પોતાના ઉપનિયમો અનુસાર તેમને વળતર આપવું જોઈએ. જોકે હાઇકોર્ટની ખંડપીઠે 2005ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપ્યો હતો, જેમાં કહ્યું છે કે BCCI બંધારણના અનુચ્છેદ 12 હેઠળ ‘રાજ્ય’ તરીકે વ્યાખ્યાયિત થતું નથી.
હાઇકોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં લલિત મોદીએ 2018માં આ અરજી દાખલ કરી હતી. અદાલતે કહ્યું હતું કે EDએ જે દંડ લાદ્યો છે તે સંદર્ભે લલિત મોદીની ક્ષતિપૂર્તિ અંગે કોઈ જાહેર કાર્યની જવાબદારી ઊભી થતી નથી અને આ હેતુ માટે BCCIને કોઈ રિટ જારી શકાય તેમ નથી. કોઈ પણ સ્થિતિમાં તેમની માગ સંપૂર્ણ રીતે ખોટી છે. આ અરજી તુચ્છ છે અને તે મુજબ અમારે આ અરજી નામંજૂર કરવી પડે છે. વધારામાં કોર્ટે લલિત મોદીને ચાર સપ્તાહની અંદર ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં 1 લાખ રૂપિયાનું દાન કરવા આદેશ આપ્યો હતો.
