સુરત: ઉધના મગદલ્લા રોડ, ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં VNSGUના ગ્રાઉન્ડમાં પુસ્તક મેળાંનું આયોજન કરવામાં આવ્યું છે. સાહિત્ય સાથે પ્રકૃતિ અને કલાને જોડતા, વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા ભવ્ય પુસ્તકમેળાના પ્રથમ દિવસથી જ ભારે ભીડ જોવા મળી હતી.
આ રાષ્ટ્રીય પુસ્તક મેળામાં ૧૧ ડોમ છે. જે પૈકી બુક ફેર માટે પાંચ ડોમ અને તેમાં કુલ બુક સ્ટોલની સંખ્યા ૬૩ છે. એક ડોમમાં ફુડ ઝોન છે, જેમાં ૩૬ સ્ટોલ છે. શિલ્પગ્રામ માટે એક ડોમમાં ૪૪ સ્ટોલ, પ્લાન્ટેશન માટે ચાર ડોમમાં ૪૦ સ્ટોલ છે. મેળાના મધ્ય ભાગમાં ૮૦૦ ચો.મી. વિસ્તારમાં ફલાવર શોનું નિર્માણ કરાયું છે. સાથોસાથ એક ડોમમાં ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓનો આસ્વાદ માણી શકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત પુસ્તકો તથા તેમના જીવન-કવન, કાર્યો, સુશાસન અને વિચારધારા પર અન્ય લેખકો દ્વારા લખાયેલ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણ એક વિશેષ થીમ પેવેલિયન છે. જેમાં નમો રીડિંગ કોર્નર, લેટર્સ ટુ પીએમ સેક્શન પણ ઉભા કરાયા છે.
આ સાથે જ બાગાયત મેળામાં ગુજરાત અને મહારાષ્ટ્રની ૪૦ નર્સરીઓના સ્ટોલ છે. શહેરીજનો આ ૪૦ સ્ટોલમાંથી વિવિધ ૪૫ જાતિના ફુલ-છોડ, બાગાયતી સાધનો અને કુંડાઓ વ્યાજબી ભાવે મેળવી શકશે. ફલાવર શોમાં સરકારની વિવિધ યોજનાઓથી શહેરીજનો માહિતગાર થાય તે હેતુથી ફુલ-છોડથી સુશોભિત પી.એમ. આવાસ યોજના, પી.એમ. જનઆરોગ્ય યોજના, પી.એમ. સૂર્યઘર યોજના, જલશક્તિ અભિયાન, મેટ્રોસિટી, બે સેલ્ફી પોઇન્ટ અને બે ગેટ (એન્ટ્રી-એકઝીટ) મળી કુલ આઠ વૈવિધ્યસભર સ્ટ્રકચરોને રંગબેરંગી ફુલોથી શણગારી પ્રદર્શિત કરાયા છે.

તો શિલ્પ ગ્રામ મેળામાં વિવિધ હસ્તકલા અને હાથશાળના કારીગરોની વિશિષ્ટ કલાત્મક ચીજવસ્તુઓ જેવી કે કચ્છી જ્વેલરી, એમ્બ્રોઇડરી, શંખમાંથી નિર્મિત વસ્તુઓ, શો-પીસ, તોરણ, બીડ વર્કનું વેચાણ કરાશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં હસ્તકલા અને હાથશાળની વિવિધ કળાઓ લુપ્ત ન થઇ જાય અને શહેરીજનો હસ્તકલા વિશે વધુ જાગૃત બને, કલાને જાણે અને માણે અને કલાકૃતિઓની ખરીદી કરે એવો શિલ્પગ્રામ મેળાનો હેતુ છે.
સુરત શહેર માત્ર ઉદ્યોગ અને વ્યવસાય માટે જ નહીં, પરંતુ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણ માટે પણ સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવે છે. શહેરીજનોની વાંચનપ્રત્યેની લાગણી અને રસને ઘ્યાનમાં લઇને સુરત મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમવાર મે-૨૦૦૦માં રાષ્ટ્રીય પુસ્તક મેળો યોજવામાં આવ્યો હતો. જેની સફળતા બાદ શહેરીજનોની લાગણીઓ તેમજ ઉત્સાહને ધ્યાને લઇ પુસ્તક મેળાની સાથે હોર્ટીકલ્ચર ફેર અને ફ્લાવર શો તેમજ શિલ્પ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ પુસ્તક મેળો 22મી ફેબ્રુઆરી થી લી માર્ચ સુધી ચાલશે.
(અરવિંદ ગોંડલિયા – સુરત)




