2 કલાકમાં 4.41 ઇંચ વરસાદ પડતાં સુરત જળબંબાકાર, અનેક વાહનો ફસાયા

સુરત: શહેરમાં સોમવારે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું. થોડા જ સમયમાં ભારે વરસાદ વરસવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા, જ્યારે કેટલીક જગ્યાએ ડ્રેનેજના પાણી પાછા વળવાની (બેક મારવાની) ફરિયાદો પણ સામે આવી હતી. અડાજણ, સલાબતપુરા, કતારગામ, વરાછા, પાલનપુર અને ઉધના સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અતિભારે વરસાદ ખાબક્યો

રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં એટલે કે 12 કલાકમાં 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરત સિટીમાં સૌથી વધુ 4.41 ઇંચ વરસાદ ખાબક્યો છે. કામરેજમાં 3.31 ઇંચ, જ્યારે વલસાડના વાપીમાં 4.13 ઇંચ, પારડીમાં 4.09 ઇંચ અને નાનપોંઢામાં 2.99 ઇંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદથી ટ્રાફિક જામ

બપોર પછી શરૂ થયેલા મુસળધાર વરસાદે સુરતના મોટાભાગના વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. સતત વરસી રહેલા વરસાદને કારણે મુખ્ય માર્ગો, આંતરિક રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. ઓફિસ છૂટવાનો સમય નજીક હોવાથી રસ્તા પર વાહનોની વધારે અવરજવર હતી. જેમાં પાણી ભરાઈ જતાં અનેક સ્થળોએ ચક્કાજામ સર્જાયો હતો. આ સ્થિતિને કારણે વાહનચાલકોને લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડ્યું હતું.

અનેક સ્થળોએ મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં દ્વિચક્રી અને મોટાં વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. કેટલાક વાહનો બંધ પડી જતાં વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. આ દરમિયાન ભારે પવનના કારણે આ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ બની હતી. જેનાથી વાહનવ્યવહાર વધુ પ્રભાવિત થયો હતો અને લોકોની સમસ્યા બમણી થઈ ગઈ હતી. બીજી તરફ, કેટલાક સ્થળોએ ગટરના ઢાંકણામાંથી ગંદુ પાણી બહાર આવતા વરસાદી પાણી સાથે ગંદકી પણ રસ્તાઓ પર ફરી વળી હતી.