ગૌહત્યા અટકાવવા ગયેલા ગૌરક્ષકો, પોલીસ પર ટોળાનો હુમલો

સુરત: માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌહત્યા અટકાવવા ગયેલી પોલીસ ટીમ અને ગૌરક્ષકો પર અસામાજિક તત્ત્વોએ હિંસક હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે તંગદિલી સર્જાઈ છે. આ હુમલામાં એક ગૌરક્ષકને માથાના ભાગે તલવારના ઘા વાગ્યા છે, જ્યારે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.25મી ફેબ્રુઆરીએ મોડી રાત્રે કોસંબા પોલીસને હથોડા ગામમાં ગૌહત્યા થવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ અને ગૌરક્ષકોની ટીમ ગામમાં તપાસ માટે પહોંચી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન છ જેટલા શખસો બાઈક પર આવ્યા અને બોલાચાલી શરૂ કરી હતી. જોતજોતામાં આ શખસોએ ફોન કરીને 50 જેટલા લોકોનું ટોળું ભેગું કરી લીધું હતું અને પોલીસ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે હુમલામાં બે પોલીસ જવાનો ઘાયલ થયા છે, જેમાં એક કર્મચારીનો હાથ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા સુરત જિલ્લા પોલીસ વડા (SP) રાજેશ ગઢિયાના આદેશથી હથોડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. DySP બી.કે. વનારની આગેવાનીમાં કુલ 15 પોલીસ ટીમો દ્વારા ગામમાં કોમ્બિંગ હાથ ધરાયું છે. તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ શખસોની અટકાયત કરવામાં આવી છે. FSLની મદદથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરાઈ છે.