સુરત: જાણીતા કવિ સુરેશ વિરાણીની દીકરી હેમાક્ષી વિરાણીના લગ્ન 11 નવેમ્બર 2025ના દિવસે યોજાયા. આ આનંદપ્રસંગને અનોખી રીતે ઉજવવાનો વિચાર આવ્યો અને એ વિચારમાંથી શબ્દો ફૂટી નીકળ્યા, “કવિતાની સાંજી, સાંજીની કવિતા” સાત દિવસ, સાત સાંજ અને સાડત્રીસ કવિઓની દીકરીને શબ્દ સૌગાત…

2 નવેમ્બરથી 8 નવેમ્બર સુધીના શુભ વાનાના દિવસોમાં દરરોજ સાંજે એક નવી થીમ, નવી ભાવના અને નવી કવિતાનો રંગ છલકાયો. દરેક સાંજે પાંચથી છ કવિઓ જોડાયા અને દીકરીના રૂપમાં વસેલા પ્રેમ, વિદાય, આશીર્વાદ, સંસ્કાર અને સંવેદનાના અનેક છાંટા શબ્દોમાં ગુંથાયા. ગુજરાતી ભાષાના ૩૭ કવિઓએ હેમાક્ષી વિષે પોતાની લાગણીના રંગ ભરીને રચનાઓ રજૂ કરી. આ કાવ્યમેળાનો સંચાલનનો દોર વારાફરતી કવિ મનસુખ નારિયા, મયુર કોલડિયા અને પ્રશાંત સોમાણીએ સંભાળ્યો. તેમની સંચાલન શૈલીમાં હાસ્ય, ભાવના અને ગતિશીલતા ત્રણેયના સુંદર મિશ્રણથી કાર્યક્રમ જીવંત બની રહ્યો.
આ અનોખા કવિ સંમેલનમાં રજૂ થયેલી કવિતાઓમાં પ્રેમ, વિદાય, સંસ્કાર અને આશીર્વાદની સુગંધ વ્યાપી ગઈ હતી. કોઈ કવિએ દીકરીને ઘરની લક્ષ્મી કહી સંબોધી, તો કોઈએ પિતાના વહાલપની નદી કહી. વળી કોઈએ એને ઉરનો ઉત્સવ ગણીને પોંખી. કોઈએ વિદાયની વેળા કવિતાથી આંખ ભીની કરી, તો કોઈએ હાસ્યની છાંટાથી માહોલ હળવો કર્યો.
ચાલો થોડીક કાવ્ય પંક્તિઓ માણીએ..
માન્યતાઓ બાળવા દીકરી માંગી જુઓ
નામ કુળનું તારવા દીકરી માંગી જુઓ
– ભાવેશ શહેરી દીકરી
દીકરીનું અવતરણ થતાં એ લાગણી થઈ
વહાલપની વહેતી એક નદી ઘર ભણી થઈ
– ગૌરાંગ ઠાકર
પારણું થાકી જશે તો દીકરી જાગી જશે
સ્તબ્ધતા પામી જશે તો દીકરી જાગી જશે
-ભાવિન ગોપાણી …
નદીયુ માંથી ખળખળ લીધી, ઝાકળ માંથી ઝરમર, સાગરનો ઘુઘવાટ લીધો ને વેણુ માંથી સરગમ
ઈશ્વરના હાથોનું છે આ દીકરી નામે સર્જન
– વિપુલ માંગરોલિયા
પાંખડીઓ પર બેસાડીને ઝાકળ જેમ ઝૂલાવું
સ્હેજ નમેલી પાંપણ ઉપર તોરણીયા બંધાવું
ઘૂઘરીયુની રણઝણ ઘરના ખાલીપાને ભરતી
જુઈ સરીખું હસતી
– જયંત ડાંગોદરા
ખાલીપો ગુડબાય કહીને ભાગ્યો ઘરની બહાર
પિતા નામની પદવી આપી, તારો ખૂબ આભાર
ગરદન ઊંચી કરી હવે ફરશું નગરમાં
અમે જાણે સચરાચરમાં
– દિલીપ રાવલ
સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી
છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી
– અશોક ચાવડા
જાણે રોજે રોજ નવા તહેવારો છે
દીકરી જાણે ઉરનો ઉત્સવ ન્યારો છે
– મનસુખ નારિયા
કંકુ છાંટયા કાગળ ઉપર વાયક વહેતા થાય કે ઉત્સવ અલબેલો
લાભ શુભના ચોઘડિયા ખુદ મંગળ ગીતો ગાય કે ઉત્સવ અલબેલો
– કિશોર બારોટ …..
પાંચીકા રમતી’તી,દોરડાઓ કુદતી’તી
ઝુલતી’તી આંબાની ડાળે
ગામને પાદર જાન એક આવીને મારું બચપણ ખોવાયુ એ જ દા ‘ડે
– મુકેશ જોશી
સૌને સમજાય એવું બોલજે દીકરી
આ હ્રદય ભીંજાય એવું બોલજે દીકરી
– દિનેશ કાનાણી
વહાલી દીકરી સાસરિયું તું ખુશહાલીથી ભરજે
અમે સિંચેલા સંસ્કારોનું અજવાળું પાથરજે
– કિરણસિંહ ચૌહાણ
એક, બે, ત્રણ શિખવાડવું ત્યાં પ્રશાંત
સાસરિએ ચાલી વહાલી દીકરી
– પ્રશાંત સોમાણી
ધ્રિબાંગ ધ્રિબાંગ ઢોલ, ધ્રિબાંગ ધ્રિબાંગ દસે દિશે પડઘાય કે તમે ગીત ગાવા આવો
પોરસાતી પાનીએ ને ઉતાવળે પગલે ઓલ્યાં ઝાંઝર કહી જાય કે તમે ગીત ગાવા આવો
– સુરેશ વિરાણી
કૂંડાની વેલ હવે મોટેરી થઈ તો એને કેમ કરી કૂંડામાં રાખું
દીકરી પરણાવવાના નિર્ણાયથી આંખોનાં ફળિયામાં બેઠું ચોમાસું
-ભરત ભટ્ટ પવન
દીકરી મારી આજ ફરીથી પિયરનું આંગણ વાળે છે
પગલી વાવે,સ્મરણ ઊગે, ખાલીપાનું રણ વાળે છે
– મયુર કોલડિયા
હજી શરણાઈ સૂર ક્યાં વિલાયા
ભીંતે કંકુ થાપાય ક્યાં સુકાયા
કે વેલ મારી ઉંબરો છોડીને ક્યાં હાલી?
– પ્રજ્ઞા વશી
સાફો પહેરી જાન લઈને આવ્યો એ તો લૂંટી ગયો
માંડ સાચવેલ ઝળઝળિયાંનો કળશ
આખો લૂંટી ગયો
-યામિની વ્યાસ


