સુરત: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ કર્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 7 જુલાઈના સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી તોફાની બેટિંગ કરી છે. જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 17.56 ઈંચ અને કામરેજ તાલુકામાં 15.87 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં 14.17 ઈંચ અને જલાલપોરમાં 10.08 ઈંચ, સુરત શહેરમાં 12.87 ઈંચ, મહુવામાં 8.27 ઈંચ, બારડોલીમાં 8.07 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે જ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 7.91 ઈંચ અને તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 6.65 ઈંચ વરસાદ નોંધાતા દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર, આગામી બુધવાર, 8 જુલાઈ 2026ના રોજ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આઈ.ટી.આઈ. (ITIs) અને આંગણવાડી કેન્દ્રોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ સંબંધિત સંસ્થાઓને આ આદેશની ચુસ્તપણે અમલવારી કરવા અને જરૂરી તકેદારી રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે. બીજી તરફ સુરતમાં પણ વહીવટી તંત્રની સૂચનાથી 8 જુલાઇએ તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરવામાં આવી છે.
1,528 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
ચોમાસાની સીઝન દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત અત્યાર સુધીમાં 1,528 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 134 લોકોને પૂર જેવી સ્થિતિમાંથી સફળતાપૂર્વક ઉગારી લેવાયા છે. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે અલગ-અલગ જિલ્લાઓમાં NDRF અને SDRFની કુલ 36 ટીમોને તૈનાત કરી એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
સુરતમાં મિત્રને બચાવવા ગયેલા પાડોશીનું પણ વીજ કરંટથી મોત
સુરતના રાંદેરમાં ગઇકાલે સાંજે બે પરિવારના દીવા બુઝાઈ ગયા. મિત્રને બચાવવા જતાં પાડોશી પણ મોતને ભેટ્યો. રાંદેરની સુઝાતખાન સ્ટ્રીટમાં રહેતો 28 વર્ષીય આઝમ વરસાદમાં નાહ્યા બાદ જ્યારે લોખંડની સીડી ચઢીને ઘરમાં જઈ રહ્યો હતો, ત્યારે સીડીમાં ઉતરેલા વીજ કરંટને કારણે તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. આઝમની મદદ માટે જ્યારે પાડોશી અને મિત્ર એવા 43 વર્ષીય સલમાન દોડી આવ્યા, ત્યારે માનવતા નિભાવવા જતાં તેઓ પણ આ હાઈવોલ્ટેજ કરંટની ઝપેટમાં આવી ગયા. મિત્રને બચાવવા ગયેલા સલમાન અને આઝમ બંનેના શરીર કરંટને કારણે જકડાઈ ગયા હતા. આસપાસના લોકો તાત્કાલિક લાઈન બંધ કરાવી બંનેને હોસ્પિટલ લઇને દોડ્યા હતા પરંતુ બંનેનો જીવ જતો રહ્યો હતો.




