સુરતમાં વરસાદી આફત વચ્ચે 4,000થી વધુ લોકોનું સ્થળાંતર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ યથાવત રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા માટે જારી કરાયેલા ‘રેડ એલર્ટ’ વચ્ચે સતત વરસી રહેલા મુસળધાર વરસાદને પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર પૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. પૂરના સંભવિત સંકટ અને અનરાધાર વરસાદ સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે અંબિકા નદી કિનારાના ગામો સહિત અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં ૪,૦૦૦થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સફળતાપૂર્વક સ્થળાંતર કરવામાં આવ્યું છે.

24 કલાકમાં સરેરાશ 8 ઈંચ વરસાદ, અંબિકામાં 22.5 ઈંચ ખાબક્યો

જિલ્લા કલેક્ટર તેજસ પરમારે પૂરની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં (ગઈકાલે સવારે ૬:૦૦ થી આજે સવારે ૬:૦૦ વાગ્યા સુધી) સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં સરેરાશ ૨૨૨ mm (આશરે ૮ ઈંચ) વરસાદ થયો છે. જેમાં અંબિકા તાલુકામાં સૌથી વધુ ૫૬૫ mm (અંદાજિત ૨૨.૫ ઈંચ) આકાશી આફત જેવો વરસાદ ઝીંકાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં ૫ થી ૧૨ ઈંચ અને સુરત શહેરમાં ૫ થી ૬ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આજે સવારે વરસાદ થોડો ધીમો પડ્યા બાદ સવારે ૧૦ વાગ્યાથી ફરી ધોધમાર શરૂ થયો છે.

કીમ નદી ઓવરફ્લો થતાં ઓલપાડ-માંગરોળના ગામોમાં પાણી ભરાયા

રાત્રિ દરમિયાન કીમ નદી બે કાંઠે છલકાઈને ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં પૂરના પાણી ભરાયા છે. વહીવટી તંત્ર દ્વારા ગઈકાલથી જ આ વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની ઝુંબેશ ચાલુ રખાઈ છે. કલેક્ટરે કીમ નદીના કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અપીલ કરી છે કે નદીનું જળસ્તર હજુ વધી શકે છે, તેથી જોખમી વિસ્તારો છોડીને ત્વરિત સુરક્ષિત સ્થળે પહોંચી જવું. હાલમાં SDM, TDO, પોલીસ અને રેસ્ક્યૂ ટીમો સતત ગ્રાઉન્ડ ઝીરો પર ખડેપગે છે.

SDRFની ટીમો તૈનાત, ઉકાઈ ડેમ અને ખાડીઓ હાલ સુરક્ષિત

પૂર રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે માંડવી ખાતે અગાઉથી તૈનાત SDRFની ટીમ ઉપરાંત આજે સવારે ઓલપાડ ખાતે પણ SDRFની વધારાની ટીમ રવાના કરી દેવાઈ છે.

ઉકાઈ ડેમની સ્થિતિ: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની ભયજનક સપાટી (રૂલ લેવલ) ૩૩૩ ફીટ સામે હાલ વર્તમાન સપાટી ૩૨૦ ફીટ છે, જેથી ડેમમાં જળસંગ્રહ સુરક્ષિત મર્યાદામાં છે.

શહેરની ખાડીઓ: તાપી નદી પરનો સિંગણપોર કોઝવે ઓવરફ્લો થયો છે, પરંતુ સુરત શહેરની તમામ મુખ્ય ખાડીઓ હાલ ભયજનક સપાટીથી નીચે વહી રહી હોવાથી સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.

કલેક્ટરે તમામ નાગરિકોને અત્યંત સાવચેત રહેવા અને અતિ જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.