સુરતના વેપારીએ દિવાળી પર દરેક કર્મચારીને બોનસમાં આપ્યા 1-1 લાખ રૂપિયા રોકડા

સુરત:દિવાળીના પર્વ પર જ્યાં સામાન્ય રીતે કર્મચારીઓને મીઈઠાઈના બોક્સ કે સામાન્ય ભેટ-સોગાદો આપવામાં આવે છે, ત્યાં સુરતના એક ઉદાર વેપારીએ પોતાની દરિયાદિલીથી સૌનું મન જીતી લીધું છે. વરાછા વિસ્તારમાં ટેક્સટાઈલનો ધંધો કરતા વેપારીએ પોતાના કર્મચારીઓને દિવાળીના બોનસ તરીકે રૂ. ૧ લાખથી વધુની રોકડ રકમ ભેટમાં આપી છે. આ અનોખી રીતે બોનસ આપવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ladu Ram Jat (@veer_teja_surat)

મૂળ રાજસ્થાનના અને સુરતના મોટા વરાછા સ્થિત સુદામા ચોક ખાતે ‘મહાદેવ ક્લોથ સેન્ટર’ ચલાવતા રામસ્વરૂપ મુંડેએ પોતાના અંદાજે ૨૦ જેટલા કર્મચારીઓને આ ભેટ આપી છે. બોનસ આપવાની તેમની પદ્ધતિ અત્યંત વિશેષ હતી; તેમણે ૧૦, ૨૦, ૫૦, ૧૦૦થી લઈને ૫૦૦ રૂપિયા સુધીના નવા અને ચમકતા નોટોના બંડલ સુંદર પૂજાની થાળીઓમાં સજાવ્યા હતા. આ થાળીઓ કર્મચારીઓની પત્નીઓ અને પરિવારોની ઉપસ્થિતિમાં તેમને અર્પણ કરવામાં આવી હતી.

એકસાથે ૧ લાખ રૂપિયા જેટલી રોકડ રકમ હાથમાં જોઈને કેટલાક કર્મચારીઓ અને તેમના સ્વજનો ભાવુક થઈ ગયા હતા અને આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. વેપારી રામસ્વરૂપ મુંડેનું કહેવું છે કે તેમની સાથે કામ કરનારા લોકો માત્ર કર્મચારીઓ નથી પરંતુ તેમના પરિવારના સભ્ય સમાન છે. વર્ષભર તેમની મહેનત અને સમર્પણથી જ ધંધો આગળ વધે છે, તેથી તહેવાર પર ખુશીઓ વહેંચવી તેમની ફરજ છે. કુલ ૨૦ લાખ રૂપિયાથી વધુની આ રકમનું વિતરણ કરીને તેમણે કર્મચારીઓની દિવાળી ખરા અર્થમાં યાદગાર બનાવી દીધી છે. સોશિયલ મીડિયા પર આ માનવીય અભિગમની ચારેયકોર પ્રશંસા થઈ રહી છે.