ગુજરાત ગૌરવ દિવસ: સુરતમાં ત્રિ-દિવસીય શસ્ત્ર પ્રદર્શનનું આયોજન

Surat to Host State-Level Gujarat Gaurav Day 2026 Celebrations on May 1st

સુરત: ૬૬મા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સુરત શહેરમાં થવાની છે. જેના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા ૧લી મે સુધી અઠવાલાઇન્સના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. તેમણે શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને નિહાળ્યા હતા.આ પ્રદર્શન ૧ મે સુધી એટલે કે ત્રણ દિવસ સુધી ચાલવાનું છે. આ શસ્ત્ર પ્રદર્શનમાં સમાજના પ્રત્યેક નાગરિક જવાનોની કર્તવ્યનિષ્ઠા અને દેશ પ્રત્યેના સમર્પણની ભાવનાને ઉજાગર કરતા વિવિધ સ્ટોલ્સ નિહાળી શકશે. સવારના ૧૦.૩૦ થી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી લોકો આ પ્રદર્શનની મુલાકાત લઈ શકશે.

આ શસ્ત્ર પ્રદર્શનમાં પોલીસની કામગીરીમાં ઉપયોગી એવા આધુનિક હથિયારો અને પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાઓના ઉકેલ માટે કરવામાં આવતી કામગીરીને રજૂ કરતા સ્ટોલ્સ છે. જેમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે ખડેપગે નિ:સ્વાર્થ ભાવે કાર્યરત દેશની સુરક્ષા એજન્સીઓ, ચેતક કમાન્ડો ફોર્સ, બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, શી-ટીમ, એલસીબી, એસ.ઓ.જી, સાયબર સુરક્ષા, એસ.ડી.આર.એફ, મરીન ટાસ્ક ફોર્સ, એટીએસ, બીડીડીએસ, એફ.એસ.એલ. ટ્રાફિકના જવાનોની ટુકડીઓની સેવા અને કામગીરી દર્શાવવામાં આવી છે.

પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે સુરત શહેર પોલીસ અધિકારી-કર્મચારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.