બંગાળમાં શુભેન્દુ સરકારની વહીવટી ‘સર્જિકલ સ્ટ્રાઈક’

પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ સત્તા સંભાળતાની સાથે જ પ્રથમ કેબિનેટ બેઠકમાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરીને સૌને ચોંકાવી દીધા છે. મુખ્યમંત્રીએ રાજ્યના વહીવટી માળખામાંથી ‘વધારાનો બોજ’ હળવો કરવા માટે નિવૃત્તિ બાદ પણ ફરજ બજાવતા અધિકારીઓ અને સલાહકારો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ તેમની પ્રથમ કેબિનેટ બેઠક બાદ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જે સરકારી અધિકારીઓ નિવૃત્તિ બાદ ફરીથી નિમણૂક પામ્યા હતા અથવા જેમની સેવામાં વધારો કરવામાં આવ્યો હતો, તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવે. અગાઉની મમતા બેનર્જી સરકારમાં અનેક અધિકારીઓને રિટાયરમેન્ટ પછી પણ કામ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ શુભેન્દુ અધિકારીએ આ પ્રથાનો અંત લાવ્યો છે. વિવિધ બોર્ડ, કોર્પોરેશન અને જાહેર સાહસોમાં નિયુક્ત કરાયેલા સભ્યો, ડાયરેક્ટરો અને ચેરપર્સનનો કાર્યકાળ પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે.

900 થી વધુ પદો પર ગાજ પડી

રાજ્યના વિવિધ વિભાગોમાં 900 થી વધુ એડવાઈઝર (સલાહકારો) અને OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) કાર્યરત હતા, જેમને અગાઉની સરકાર દ્વારા પુનઃનિયુક્તિ આપવામાં આવી હતી. જે અધિકારીઓની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમને પદ પરથી હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માટે રાજ્યના તમામ વિભાગોના એડિશનલ ચીફ સેક્રેટરી, પ્રિન્સિપાલ સેક્રેટરી અને સેક્રેટરીઓને સત્તાવાર પત્રો મોકલી દેવામાં આવ્યા છે.

બ્યુરોક્રેટ્સને મુખ્યમંત્રીની ટકોર: ‘ડર્યા વગર કામ કરો’

મુખ્યમંત્રીએ સનદી અધિકારીઓ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, “તમારે કોઈ પણ પ્રકારના ડર વગર અને માથું ઊંચું રાખીને કામ કરવાનું છે. જો કોઈ સમસ્યા હોય તો સીધી મને જાણ કરો.” તેમણે અધિકારીઓને શિસ્ત અને જવાબદારીપૂર્વક કામ કરવા સૂચના આપી હતી. પૂર્વ સરકારના સમયમાં વારંવાર વપરાતા ‘અનુપ્રેરણા’ શબ્દનો ઉલ્લેખ કરીને તેમણે સમજાવ્યું કે સરકારી કામમાં કોઈ વ્યક્તિવિશેષને મહત્વ આપવાની જરૂર નથી, બલ્કે સરકારી મર્યાદા અને સન્માન જળવાવું જોઈએ.

વહીવટી સુધારા માટે પીએમની કડક સૂચનાઓ

નાણાકીય શિસ્ત: બિનજરૂરી ખર્ચાઓ અને સરકારી નાણાંનો બગાડ તાત્કાલિક બંધ કરો. માત્ર અત્યંત જરૂરી કામો માટે જ ભંડોળ વાપરવું.

કેન્દ્રીય પ્રોજેક્ટ્સ: કેન્દ્ર સરકારની અટકેલી યોજનાઓને ઝડપથી લાગુ કરો જેથી જનતાને તેનો લાભ મળી શકે.

ડિજિટલ કનેક્ટિવિટી: તમામ સચિવો અને મુખ્યમંત્રી સાથેનો એક વૉટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે, જેથી વહીવટી પ્રક્રિયા ઝડપી બને.

જવાબદારી: જો કોઈ અધિકારી બેદરકારી દાખવશે કે ભૂલ કરશે, તો તેની સામે કડક વહીવટી પગલાં લેવામાં આવશે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે તેઓ અધિકારીઓને જાહેરમાં કે મીડિયા સમક્ષ અપમાનિત કરવાના પક્ષમાં નથી. વહીવટી તંત્ર ગરિમા અને સન્માન સાથે ચાલશે, પરંતુ દરેક અધિકારીની જવાબદારી (Accountability) નક્કી કરવામાં આવશે.