સર્વેઃ ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી 29 ગણા સુધી વસૂલે છે કિંમત

મુંબઈઃ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDAએ હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતા કેટલાક સામાન્ય મેડિકલ સામાનની કિંમતોને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાજ્યમાં કરવામાં આવેલા એક સર્વેમાં કેટલાક કિસ્સાઓમાં આ સામાનની ખરીદી કિંમત અને દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતી કિંમત વચ્ચે 2841 ટકા સુધીનો તફાવત જોવા મળ્યો છે.અહેવાલ મુજબ આ તફાવત સામે આવ્યા બાદ મહારાષ્ટ્ર FDAના કમિશનર તુકારામ મુંઢેએ કેન્દ્ર સરકારને મેડિકલ કન્ઝ્યુમેબલ્સની કિંમતોની સમીક્ષા કરવા અને જરૂર પડે તો નિયમનકારી કાર્યવાહી કરવાની માગ કરી છે.

મુંઢેએ 10 ઓગસ્ટે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ અને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે કે NPPAને આ અંગે પત્ર મોકલ્યો હતો. અહેવાલ મુજબ તેમણે સૂચન કર્યું છે કે જરૂરી મેડિકલ ડિવાઇસની કેટલીક કેટેગરી પર ટ્રેડ માર્જિનની મર્યાદા નક્કી કરવામાં આવે અથવા તેમની કિંમતોની નિયમિત અને વ્યવસ્થિત રીતે દેખરેખ રાખવામાં આવે.

ખરીદી કિંમત અને દર્દી પાસેથી વસૂલવામાં આવતી કિંમતમાં મોટો તફાવત

મહારાષ્ટ્ર FDAના સર્વેમાં ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાતાં અનેક ઉત્પાદનોની કિંમતોની સરખામણી કરવામાં આવી હતી. તેમાં IV ઇન્ફ્યુઝન સેટ, સિરીંજ, નેબ્યુલાઇઝર, ઓક્સિજન માસ્ક અને કેથેટર જેવા સામાનનો સમાવેશ થાય છે. આ સર્વે મુજબ ખાનગી હોસ્પિટલોએ એક કેથેટર સરેરાશ રૂ. 29.41માં ખરીદ્યું હતું, જ્યારે તેની MRP રૂ. 310 હતી. એ જ રીતે એક IV ઇન્ફ્યુઝન સેટ હોસ્પિટલોએ આશરે રૂ. 11.05માં ખરીદ્યો હતો, પરંતુ તેના માટે દર્દી પાસેથી રૂ. 325 સુધીનું બિલ વસૂલવામાં આવ્યું હતું. એટલે કે દર્દીને જે કિંમતે મેડિકલ સામાન આપવામાં આવે છે, તે કિંમત હોસ્પિટલ અથવા સપ્લાયરની ખરીદી કિંમત કરતાં અનેક ગણી વધારે હોવાની શક્યતા છે. કેટલાક કિસ્સાઓમાં ખરીદી કિંમત અને MRP વચ્ચે 2841 ટકા સુધીનો તફાવત જોવા મળ્યો હતો.

NPPA કરી રહ્યું છે મામલાની તપાસ

આ મામલા સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ પંજાબ, રાજસ્થાન અને તામિલનાડુના ડ્રગ-કંટ્રોલ અધિકારીઓ તરફથી પણ મેડિકલ ડિવાઇસની કિંમતો અંગે આવી જ ફરિયાદો અથવા રજૂઆતો NPPAને મળી છે. હાલમાં મહારાષ્ટ્ર FDAના અહેવાલના આધારે મેડિકલ ડિવાઇસની કિંમતોની સમીક્ષાનો મામલો કેન્દ્રના સ્તરે આગળ વધી રહ્યો છે.