મુંબઈ: ભારતના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને દેશની સૌથી મોટી કોમ્યુનિટી ક્રિકેટ સ્પર્ધા ‘જિતો પ્રીમિયર લીગ’ (JPL)ની પ્રથમ આવૃત્તિ માટે બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરની ફ્રેન્ચાઇઝી આધારિત ક્રિકેટ ટૂર્નામેન્ટ ૨૪ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન શ્રીલંકાના કોલંબો ખાતે યોજાશે.
આ લીગનો મુખ્ય હેતુ જૈન સમાજની યુવા ખેલકૂદ પ્રતિભાને વૈશ્વિક મંચ પૂરો પાડવાનો અને રમતગમતમાં શ્રેષ્ઠતા પ્રોત્સાહિત કરવાનો છે. આ વિઝન જિતો પ્રીમિયર લીગના ચેરમેન વિકી ઓસવાલનું છે. સ્પર્ધામાં દેશભરમાંથી પસંદ કરાયેલા ૨૫૦ જેટલા શ્રેષ્ઠ જૈન ક્રિકેટરો ૧૨ ફ્રેન્ચાઇઝી ટીમો તરફથી કુલ ૩૩ મેચોમાં ભાગ લેશે. તમામ મેચોનું જીવંત પ્રસારણ અગ્રણી OTT અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર કરવામાં આવશે.
આ ટૂર્નામેન્ટ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO)ની એપેક્સ ટીમ હેઠળ આયોજિત થઈ રહી છે. તાજેતરમાં યોજાયેલી ટીમોની લિલામીમાં રૂ. ૪૩ કરોડ ઊભા થયા હતા, જે લીગની લોકપ્રિયતા દર્શાવે છે. પ્રથમ સિઝનમાં ‘ધુલેવા ગ્રુપ’ ટાઇટલ સ્પોન્સર જ્યારે ‘ઓથમ ગ્રુપ’ અને ‘ઓર્બિસ ગ્લોબલ’ પાવર્ડ બાય સ્પોન્સર તરીકે જોડાયા છે.
સૂર્યકુમાર યાદવ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહ અને પ્રથમ મેચમાં ખાસ હાજરી આપશે. પારદર્શિતા જાળવવા આયોજકોએ એક સ્વતંત્ર એન્ટી-કરપ્શન સ્ક્વોડની પણ નિમણૂક કરી છે.






