જામનગર: ચાંદીપુરા વાઈરસના જિલ્લામાં વધતા જતા શંકાસ્પદ કેસોને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ધ્રોલ તાલુકાના ડાંગરા સીમ વિસ્તારના એક 6 વર્ષીય બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના લક્ષણો બાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકના સેમ્પલનો ચાંદીપુરા અંગેનો લેબોરેટરી રિપોર્ટ હજુ બાકી છે.

શંકાસ્પદ લક્ષણોથી જિલ્લામાં મૃત્યુઆંક 6 થયો!
જામનગર શહેર, જિલ્લા અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાંથી આશરે 10 જેટલાં બાળકોને ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં 5 શંકાસ્પદ બાળદર્દીઓના મોત નીપજ્યા હતા. ત્યારે ધ્રોલના બાળકના મોત સાથે જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કારણે મૃત્યુઆંક વધીને 6 થયો છે.
જી.જી. હોસ્પિટલમાં 3 બાળદર્દીઓ સારવાર હેઠળ
જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 બાળકો સારવાર મેળવી રહ્યા છે. જેમાં કાલાવડ તાલુકામાંથી લાવવામાં આવેલા 2 વર્ષના માસુમ બાળકનો પણ સમાવેશ થાય છે. સારવાર હેઠળના બાળકો પૈકી એક બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.
આરોગ્ય તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ, ડોર-ટુ-ડોર તપાસ અને ડસ્ટિંગ સહિતના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે લોકોને ભયભીત ન થવા પરંતુ સાવચેતી રાખવા અપીલ કરી છે. જો બાળકોમાં સતત તાવ, ઝાડા-ઊલટી કે બેભાન થવા જેવાં લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા જણાવાયું છે.




