કોલકાતાઃ સુવેન્દુ અધિકારીને ભાજપ વિધાનમંડળ દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા, તેઓ પશ્ચિમ બંગાળના આગામી મુખ્ય મંત્રી બનશે. શુક્રવારે સાંજે કોલકાતામાં યોજાયેલી ભાજપ વિધાનમંડળ દળની બેઠકમાં પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ સ્વીકારી લીધો. આ બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે અમિત શાહ અને સહ-નિરીક્ષક તરીકે મોહન ચરણ માઝી હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે નેતા પદ માટે કુલ આઠ પ્રસ્તાવ અને સમર્થન મળ્યા હતા અને બધા એક જ નામ માટે હતા. સુવેન્દુ અધિકારી સિવાય અન્ય કોઈ નામ સામે આવ્યું નહોતું.
મમતા બેનર્જીને ચૂંટણીમાં હરાવ્યા
સુવેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં મમતા બેનર્જીને તેમના ગઢ ભવાનીપુર બેઠક પરથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં સુવેન્દુ અધિકારીને 73,917 મત મળ્યા હતા, જ્યારે મમતા બેનર્જીને 58,812 મત મળ્યા હતા. આ રીતે સુવેન્દુ અધિકારીએ 15,105 મતોના અંતરથી જીત મેળવી હતી. આ પહેલાં 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીને હરાવ્યા હતા.
गृह मंत्री श्री @AmitShah जी कोलकाता में भाजपा विधायक दल की बैठक को संबोधित करते हुए।https://t.co/w1QZhTppmk
— Harsh Sanghavi (@sanghaviharsh) May 8, 2026
કોલકાતામાં કાલે ભવ્ય શપથવિધિ સમારોહ
રાજ્યપાલ તરફથી સરકાર રચવા માટેનું આમંત્રણ મળ્યા બાદ શનિવારે સવારે 11 વાગ્યે કોલકાતામાં સુવેન્દુ અધિકારીનો ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપને વિધાનસભા ચૂંટણીમાં બે તૃતીયાંશથી વધુ બહુમતી મળી છે અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બનશે.

સુવેન્દુને મુખ્ય મંત્રી બનાવવાનાં મુખ્ય કારણો
સુવેન્દુ અધિકારી એવા નેતા માનવામાં આવે છે જેઓએ એક નહીં પરંતુ બે વખત ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળની તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા છે.આ જીત પછી સુવેન્દુ અધિકારીની દાવેદારી વધુ મજબૂત બની હતી. તેઓ ભાજપની જીતના મુખ્ય શિલ્પકાર માનવામાં આવે છે, જેમણે પાર્ટીને 207 બેઠકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ વિપક્ષના નેતા રહી ચૂક્યા છે અને તેમને વહીવટી અનુભવ પણ છે. એ સાથે જ તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહના વિશ્વાસુ નેતાઓમાં ગણાય છે.




