બંગાળમાં 400 કાઉન્ટર પર માછલી-ભાત ખવડાવશે સુવેન્દુ સરકાર

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ મંગળવારે અનેક મોટાં એલાન કર્યાં હતાં. CMએ જણાવ્યું કે રાજ્ય સરકાર 27 મેથી અન્નપૂર્ણા યોજના માટેના ફોર્મ જારી કરવાનું શરૂ કરશે, જેના હેઠળ મહિલાઓને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે. અધિકારીએ એ પણ કહ્યું હતું કે શાળાઓ, કોલેજો અને પૂજા સ્થળોના એક કિલોમીટર વિસ્તારમાં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં નહીં આવે.

મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર થશે 3000 રૂપિયા

નદિયા જિલ્લાના કલ્યાણીમાં યોજાયેલી વહીવટી બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં અધિકારીએ કહ્યું હતું કે અન્નપૂર્ણા યોજના માટેના ફોર્મ આવતી કાલથી રાજ્ય સચિવાલય દ્વારા જારી કરવામાં આવશે. તમામ ભારતીયો આ યોજનાનો લાભ લેવા પાત્ર રહેશે. તેમણે જણાવ્યું હતું કે અમારી અન્નપૂર્ણા યોજનાની પ્રક્રિયા આવતી કાલથી શરૂ થઈ રહી છે. ફોર્મ ભરતાં જ 3000 રૂપિયા ટ્રાન્સફર થવા લાગશે.

માત્ર પાંચ રૂપિયામાં માછલી-ભાતનું ભોજન

મુખ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તેમની સરકારે રાજ્યમાં લગભગ 400 વિશેષ કેન્ટીનમાં સપ્તાહમાં બે વખત માત્ર પાંચ રૂપિયામાં માછલી અને ભાતનું ભોજન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. તેમણે એ પણ કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર આરોગ્ય વિભાગથી અલગ એક આયુષ વિભાગ પણ સ્થાપિત કરશે.

CMએ લગાવ્યો જનતા દરબાર

બીજી તરફ, પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ સોમવારે પોતાનો બીજો ‘જનતા દરબાર’ યોજ્યો, જેમાં મોટી સંખ્યામાં નોકરી ઇચ્છુક યુવાનો, શિક્ષકો, વ્યાવસાયિકો અને સામાન્ય નાગરિકો પોતાની સમસ્યાઓ સીધી મુખ્ય મંત્રી સમક્ષ રજૂ કરવા પહોંચ્યા હતા.

‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લાગ્યા

સવારે જ પાર્ટી કાર્યાલય બહાર લાંબી કતારો લાગી ગઈ હતી. લોકો અરજીઓ અને રજૂઆતો લઈને રાહ જોઈ રહ્યા હતા. સુવેન્દુએ નવ મેએ મુખ્ય મંત્રી પદ સંભાળ્યા બાદ ‘જન-સંપર્ક’ હેઠળ આ પહેલ શરૂ કરી હતી અને 18 મેએ પહેલો ‘જનતા દરબાર’ યોજ્યો હતો. સુવેન્દુ સવારે લગભગ 10 વાગ્યે BJP કાર્યાલય પહોંચ્યા ત્યારે ત્યાં ‘જય શ્રી રામ’, ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. ઘણા લોકો દૂરના જિલ્લાઓમાંથી સીધા મુખ્ય મંત્રીને મળવાની આશા લઈને આવ્યા હતા.