સ્વતંત્ર ભારદ્વાજને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધો

નવી દિલ્હીઃ સ્વતંત્ર ભારદ્વાજને દિલ્હી પોલીસે બુલંદશહરથી કસ્ટડીમાં લીધો છે. સંસદ માર્ગ પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન બાદ દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી છે. નિશુ આઝાદ મામલે કાર્યવાહી કરવાની માગ સાથે CJPની ટીમ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડની માગ કરી હતી. ત્યાર બાદ પોલીસે તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે 72 કલાકની અંદર તેની ધરપકડ કરવામાં આવશે.

CJPના આંદોલન દરમિયાન થયેલી મારપીટને લઈને સ્વતંત્ર ભારદ્વાજ નામના યુવકના દાવાઓથી નવો વિવાદ ઊભો થયો છે. તેણે એક પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે તેણે જંતર-મંતર ખાતે ગાઝિયાબાદની રહેવાસી નિશુ આઝાદના પિતા સંજય કુમાર (સંજય આઝાદ) સાથે મારપીટ કરી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે સંજય કુમારને ટાંકા આવ્યા હતા, છતાં તેની ધરપકડ થઈ નહોતી. આ દાવાને લઈને નવો વિવાદ ઊભો થયો હતો. આ મામલે આજે CJPના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં નિશુ પણ હાજર હતી. તેમની સાથે સાંસદ ચંદ્રશેખર આઝાદ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હવે પોલીસે સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ કરવાની વાત કહી છે. સૌરવ દાસે કહ્યું હતું કે આ આરોપીઓ દિલ્હીમાં ખુલ્લેઆમ કેમ ફરી રહ્યા છે? આજે આરોપીઓ ખુલ્લેઆમ દાવો કરી રહ્યા છે કે તેમણે CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો પર હુમલો કર્યો હતો. તેઓ છોકરીઓને પણ ધમકાવી રહ્યા છે. દિલ્હી પોલીસે આ અંગે જવાબ આપવો જોઈએ. અમે ચૂપ નહીં બેસીએ.

બીજી તરફ, આશુતોષ રાંકાએ કહ્યું કે જંતર-મંતર પર યોજાયેલા એક વિરોધ પ્રદર્શન દરમિયાન નિશુના પિતા સંજય સાથે મારપીટ કરવામાં આવી હતી. અમે સતત ન્યાયની માગ કરતા રહ્યા છીએ. દિલ્હીમાં સ્થિતિ એવી છે કે આરોપી ખુલ્લેઆમ પોતાનો ગુનો કબૂલી રહ્યો છે, પરંતુ દિલ્હી પોલીસે ભાજપના કહેવા પર કોઈ કાર્યવાહી કરી નથી. ગુરુવારે નિશુએ ન્યાયની માગ કરતા X પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાસે પણ મદદ માગી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “નિશુ, ગભરાવાની જરૂર નથી. હું તમારી સાથે છું. સ્પષ્ટ છે કે તમને એટલા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે તમે તમારા સમુદાય અને વિદ્યાર્થીઓના હક માટે અવાજ ઉઠાવો છો.