અમેરિકાના પ્રવાસે ગયેલા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના ઇલિનોઇસમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમને પાકિસ્તાન સાથે વાતચીત અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન ભારતની અંદર આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી તેની સાથે વાતચીત શક્ય નથી. તેમણે કહ્યું કે લોહી અને વાતચીત એકસાથે ન ચાલી શકે. વાતચીત શરૂ કરવા માટે પાકિસ્તાને પહેલાં આતંકવાદ બંધ કરવો પડશે.

આ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ ભારત અને ઇઝરાયેલના સંબંધોનું સમર્થન પણ કર્યું હતું. આ ઉપરાંત ગાઝાની સ્થિતિ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
રાહુલ ગાંધીએ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાતચીતની શક્યતા અંગે કહ્યું કે જ્યાં સુધી ઇસ્લામાબાદ સરહદ પારથી આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી બંને દેશો વચ્ચે વાતચીત થઈ શકે નહીં.તેમણે કહ્યું,”વાતચીતની શક્યતા તો છે, પરંતુ એક મોટી સમસ્યા એ છે કે પાકિસ્તાન દ્વારા અમારા દેશમાં આતંકવાદને સમર્થન અને પ્રોત્સાહન આપવું. આ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.અમારા નિર્દોષ નાગરિકોની હત્યા થઈ રહી હોય અને બીજી તરફ આપણે પાકિસ્તાન સાથે વાતચીત કરીએ, તે સ્થિતિ અમે સ્વીકારી શકીએ નહીં. જે ક્ષણે આ બધું બંધ થશે, ત્યારે વાતચીત શરૂ થવાની શક્યતા ઊભી થઈ શકે છે.”
રાહુલ ગાંધી પાકિસ્તાનના ફેન બોય છે: BJP
બીજી તરફ, રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપે તેમના પર પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ શિકાગો યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનોને લઈને તેમને ‘પાકિસ્તાનના ફેન બોય’ ગણાવ્યા હતા.
વાસ્તવમાં, શિકાગો યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક ચર્ચાઓમાં ભારતની ભૂમિકા વધુ સક્રિય હોવી જોઈએ. સાથે જ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં ભારતની ભૂમિકા હવે માત્ર એક સહાયક ખેલાડી પૂરતી સીમિત થઈ રહી છે. આ દરમિયાન તેમણે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં પાકિસ્તાનની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો.






