નવી દિલ્હી: તામિલનાડુમાં હવે ‘વિજય રાજ’ની શરૂઆત થઈ ગઈ છે. અભિનેતા પરથી નેતા બનેલા વિજયે રવિવારે મુખ્ય મંત્રી પદના શપથ લીધા હતા. તામિલનાડુના ઇતિહાસમાં છેલ્લાં 60 વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે રાજ્યમાં AIADMK અને DMK સિવાય કોઈ ત્રીજી પાર્ટીની સરકાર બની છે. પરંતુ નવી સરકાર બનતાં જ ‘ખાલી ખજાના’ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. મુખ્ય મંત્રી વિજય અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિન વચ્ચે આ મુદ્દે વાદવિવાદ થયો છે.
શપથવિધિ બાદ પોતાના સમર્થકોને સંબોધતાં વિજયે કહ્યું હતું કે મારે તામિલનાડુ સરકારની હાલની સ્થિતિ વિશે તમને જણાવવું છે. રાજ્ય પર 10 લાખ કરોડ રૂપિયાથી વધુનું કર્જ છે અને સરકારી ખજાનો સંપૂર્ણ ખાલી છે. આ નિવેદન પર સ્ટાલિને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તામિલનાડુનાં દેવાંનો સ્તર મર્યાદાની અંદર છે. હમણાંથી જ એવું કહેવાનું શરૂ ન કરો કે સરકાર પાસે પૈસા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં રજૂ થયેલા બજેટમાં અમે રાજ્યની આર્થિક સ્થિતિ વિશે સ્પષ્ટ માહિતી આપી હતી. શું તમને તેની ખબર નહોતી? આ માહિતી બાદ જ તમે જનતાને અનેક વચનો આપ્યાં હતાં. જેમણે તમને મત આપ્યો છે તેમને છેતરશો નહીં અને મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ ન કરો.
શું ખરેખર તામિલનાડુ એટલા મોટા દેવાંમાં છે?
GSDPના હિસાબે તામિલનાડુ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય છે. પ્રથમ સ્થાન પર મહારાષ્ટ્ર છે. સૌથી વધુ દેવાં ધરાવતાં રાજ્યોમાં પણ તામિલનાડુ બીજા ક્રમે આવે છે. ફેબ્રુઆરીમાં રજૂ થયેલા તામિલનાડુ સરકારના આંતરિક બજેટમાં જણાવાયું હતું કે માર્ચ, 2027 સુધી રાજ્યનાં દેવાં વધીને 10.71 લાખ કરોડ રૂપિયા થઈ જશે. વર્ષ 2025-26 સુધી રાજ્ય પર 9.52 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું.
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சராகப் பொறுப்பேற்றுள்ள தமிழக வெற்றிக் கழகத் தலைவர் திரு. @ActorVijay அவர்களுக்கு எனது மனப்பூர்வமான வாழ்த்துகளைத் தெரிவித்துக் கொள்கிறேன்.
பதவியேற்றதும் தாங்கள் கையெழுத்திட்டுள்ள அறிவிப்புகளையும் வரவேற்கிறேன்.
எடுத்த எடுப்பிலேயே அரசிடம் பணம் இல்லை…
— M.K.Stalin – தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 10, 2026
તામિલનાડુ સરકારનો સબસિડી પરનો ખર્ચ સતત વધી રહ્યો છે. આંતરિક બજેટ મુજબ 2026-27માં રાજ્ય સરકારનો સબસિડી પરનો ખર્ચ 1.56 લાખ કરોડ રૂપિયાથી વધુ રહેશે. 2027-28માં તે વધીને 1.64 લાખ કરોડ રૂપિયા અને 2028-29માં 1.72 લાખ કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે. એટલે કે સબસિડી પરનો ખર્ચ દર વર્ષે અંદાજે પાંચ ટકાના દરે વધતો રહેશે.



