વડનગર : હર્ષ સંઘવીએ શુક્રવારે ‘તાના-રીરી મહોત્સવ’ના બીજા દિવસે હાજરી આપી હતી. નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ હેતલ મહેતા જોશી અને માલિની અવસ્થીને પ્રતિષ્ઠિત ‘તાના-રીરી એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.
સંગીત ક્ષેત્રે તેમની સમર્પણભાવના અને કલાત્મક શ્રેષ્ઠતાને બિરદાવતા બંને કલાકારોનું તામ્રપત્ર, ચેક અને એવોર્ડ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ ઐતિહાસિક નગરી વડનગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે વડનગર માત્ર એક પ્રાચીન નગર નથી, પરંતુ હજારો વર્ષની સંસ્કૃતિ, ઇતિહાસ, આધ્યાત્મિકતા અને સંગીત પરંપરાનું જીવંત પ્રતીક છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.






