કતારના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પર પ્રોજેક્ટાઇલથી હુમલો, સુરક્ષા સામે પ્રશ્નો

કતાર: મધ્ય પૂર્વ (Middle East) માં વધતા જતા તણાવ વચ્ચે કતારના દરિયાકાંઠા નજીક એક વેપારી ઓઇલ ટેન્કર પર અજાણ્યા હુમલાખોરો દ્વારા અનેક મિસાઇલો અથવા પ્રોજેક્ટાઇલ્સ વડે હુમલો કરવામાં આવ્યો છે. યુકે મરીન ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ ઘટના કતારના મદિનાત અશ શમાલથી ઉત્તર દિશામાં આશરે ૫૧ નોટિકલ માઇલ (લગભગ ૯૪ કિલોમીટર) દૂર દરિયામાં બની હતી.

બ્રિટિશ દરિયાઈ સંસ્થા UKMTO અનુસાર, આ હુમલામાં ઓઇલ ટેન્કરને ભારે નુકસાન પહોંચ્યું છે અને વહાણ પર સવાર કેટલાક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અથવા જાનહાનિ થવાના અહેવાલો મળ્યા છે. આ હુમલો કતારના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ)ની અંદર થયો છે.

હાલમાં દરિયાઈ સુરક્ષા અધિકારીઓ અને સંબંધિત સત્તાવાળાઓ ઘટનાસ્થળે તપાસ કરી રહ્યા છે. હોર્મુઝની સામુદ્રધુની અને પર્સિયન ગલ્ફ વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને કારણે વૈશ્વિક શિપિંગ અને ઓઇલ સપ્લાય ચેઇન પર ગંભીર અસરો પડવાની આશંકા સેવાઈ રહી છે.