સુરેન્દ્રનગર: પુરાતન પાંચાળની સોડમની સાથે સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો મંગળવારથી શરૂ થઈ રહ્યો છે. ભાદરવા સુદ કેવડા ત્રીજથી છઠ્ઠ સુધી એટલે કે તા. ૨૬ થી ૨૯ ઓગસ્ટ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં આ મેળો યોજાશે. થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીં ૨૬ ઓગસ્ટના રોજ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન-અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્દઘાટન કરવામાં આવશે. મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરિફાઈ, પાવા હરિફાઈ યોજાશે. જેમાં વિજેતાઓને ઈનામ પણ એનાયત કરવામાં આવશે.
આ મેળો 200 વર્ષ પહેલાં શરૂ થયો હતો ત્યારબાદ તેમાં અનેક પરિવર્તનો આવ્યાં છે. ચોટીલાથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે આવેલા કુંડમાં ભાદરવા સુદ પાંચમના દિવસે સ્નાન કરવાની તથા પૂર્વજો માટે વિધિ કરવાની સ્થાનિકોની માન્યતા રહેલી છે.
રમકડાં, ફજેત ફાળકો, ચકડોળ, કટલરીની હાટડીઓ, લાકડીઓ, પરંપરાગત વસ્ત્રો, ચા-પાણી, ખાણી-પીણીના સ્ટૉલ વગેરે જેવાં નિયમિત આકર્ષણો તરણેતરના મેળામાં પણ જોવા મળે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાત સરકારના કૃષિ, આરોગ્ય, પશુસંવર્ધન, સિંચાઈ, સામાજિક ન્યાય વગેરે મંત્રાલયો સ્ટૉલ નાખીને અલગ-અલગ મુદ્દે જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે અથવા તો મેળાના આયોજનમાં મદદરૂપ થાય છે.
વર્ષ 2024માં તરણેતર ખાતે 19મી ગ્રામીણ ઑલિમ્પિક યોજાઈ. કબડ્ડી, ઘોડાદોડ, બળદગાડા દોડ, હુતુતુ, ખોખો, કુસ્તી, દોરડા ખેંચવા,લાડવા ખાવા જેવી પરંપરાગત હરિફાઈઓ યોજાય છે. મેળાની આસપાસ પ્રિતમ તળાવ પાસે વાસુકી મંદિર, પાપનાશન કુંડ, સૂર્યમંદિર વગેરે તરણેતરની આસપાસનાં પ્રવાસનનાં આકર્ષણો છે.
