નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટાટા જૂથને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ટાટાને ‘ગુનાહિત રીતે બરબાદ કરવામાં આવી રહ્યા છે. એ સાથે જ તેમણે દેશના મોટા ઉદ્યોગપતિઓની ચુપકીદી પર સવાલ ઉઠાવતાં પૂછ્યું હતું કે તેઓ આ મુદ્દે ખુલ્લેઆમ કેમ બોલી નથી રહ્યા.
તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા દેશના અગ્રણી ઉદ્યોગપતિઓને નિશાન બનાવ્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે તમે ક્યાં સુધી ચૂપ રહેશો? ત્યાં સુધી, જ્યાં સુધી તેઓ તમારા પર પણ કબજો નહીં કરી લે?”
મોદી અને અમિત શાહ પર પણ સાધ્યું નિશાન
તેમણે આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે બંને આ મામલાને ગંભીરતાથી લેવાને બદલે એક રમતની જેમ જોઈ રહ્યા છે.
કોંગ્રેસના નેતાએ ઉદ્યોગજગતના મોટા ચહેરાઓની ચુપકીદી પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે તેમનામાં પોતાની વાત ખુલ્લેઆમ રજૂ કરવાની હિંમત નથી. તેમણે કહ્યું હતું કે તમારામાં હિંમત નથી, પરંતુ અમારામાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ આ કથિત ગુનાઓ માટે ન્યાય સુનિશ્ચિત કરશે.
Tata is being criminally destroyed, and no business leader dares say a word.
How long will you stay silent? Until they own you?
Indian business is not Modi and Shah’s plaything. You lack courage. We don’t. We will ensure justice for these crimes.
— Rahul Gandhi (@RahulGandhi) October 28, 2026
ઉદ્યોગપતિઓને ખુલ્લેઆમ બોલવાની અપીલ
રાહુલ ગાંધીના નિવેદનનું મુખ્ય નિશાન દેશના મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ રહ્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આખરે તેઓ ક્યાર સુધી ચૂપ રહેશે અને આ મુદ્દે પોતાનો અવાજ કેમ ઉઠાવી રહ્યા નથી. જોકે ટાટાને કથિત રીતે બરબાદ કરવામાં આવી રહ્યા હોવાના આરોપોના સમર્થનમાં રાહુલ ગાંધીના નિવેદનમાં કોઈ વિસ્તૃત તથ્યો કે મામલાની સ્પષ્ટ વિગતો આપવામાં આવી નહોતી.
દિલ્હીમાં ચૂંટણી પંચની કચેરી સુધી વિરોધ માર્ચ કાઢવાના મામલે તેમની વિરુદ્ધ કેસ નોંધાયા બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું.






