ટાટા પ્રોજેક્ટ્સ ગુજરાતમાં વિસ્તારશે કારોબાર: ડેટા સેન્ટર્સ, સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી તકો

અમદાવાદ: ટાટા ગ્રુપની અગ્રણી ટેકનોલોજી આધારિત એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) કંપની ‘ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ’ (TPL)એ ગુજરાતમાં પોતાની હાજરીને વધુ મજબૂત અને વિસ્તૃત કરવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે. નેશનલ પ્રેસ ડે નિમિત્તે શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુકુમાર હેબ્બરે જણાવ્યું હતું કે, રાજ્યમાં થઈ રહેલા ઝડપી ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને કંપની હવે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, એનર્જી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ અને ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઉભરતા ક્ષેત્રોમાં મોટા પ્રોજેક્ટ્સ હાથ ધરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલમાં ટાટા પ્રોજેક્ટ્સની કુલ ઓર્ડર બુક અંદાજે ₹૫૮,૦૦૦ કરોડની છે, જેમાંથી ૧૫ થી ૧૭ ટકા એટલે કે અંદાજે ₹૮,૦૦૦ થી ₹૯,૦૦૦ કરોડનો હિસ્સો એકલા ગુજરાતનો છે.ગુજરાતમાં કંપનીના ચાલી રહેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં સેમિકન્ડક્ટર અને ઈવી (EV) બેટરી મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હજીરા ખાતે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) માટે સિવિલ અને સ્ટ્રક્ચરલ કામગીરી તેમજ લોથલ ખાતે નિર્માણાધીન ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સિક્કા ખાતે જીએસએફસી (GSFC) માટે ફોસ્ફોરિક અને સલ્ફ્યુરિક એસિડ કોમ્પ્લેક્સનું કામ પણ નિર્ધારિત સમય મુજબ શરૂ થઈ ચૂક્યું છે. ભવિષ્યમાં કંપની રાજ્યમાં સિંચાઈ પ્રોજેક્ટ્સ અને આગામી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ટેન્ડરોમાં પણ ભાગ લેવા માટે ઉત્સુક છે.

આ પ્રસંગે ટાટા પ્રોજેક્ટ્સના સીએચઆરઓ (CHRO) શર્લી બુર્લાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગમાં કુશળ માનવબળની વધતી જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર જેવા જટિલ પ્રોજેક્ટ્સના નિર્માણ માટે ફ્રન્ટલાઈન કામદારોને ટેકનિકલ તાલીમ અને સર્ટિફિકેશન આપવું અત્યંત જરૂરી છે, જે અંતર્ગત કંપનીના ‘સ્કિલ શક્તિ’ કાર્યક્રમ હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૮,૧૫૫થી વધુ લોકોને તાલીમ આપવામાં આવી છે. કંપની આગામી નાણાકીય વર્ષ (FY27)માં તેના ઓર્ડર ઇનફ્લોમાં ૩૫ ટકાથી વધુની વૃદ્ધિ હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે.