વૈભવ-ઉચ્ચ ડિગ્રીઓ ત્યજી પિતા-પુત્ર સંયમ માર્ગે, કોબા ખાતે દીક્ષા મહોત્સવ

ગાંધીનગર (કોબા): વિકસતો યુગ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે અંધાધૂંધ દોટ લગાવી રહ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (A.I.)ના આગમનની આલબેલ વચ્ચે જ્યારે યુવા પેઢી ભૌતિક સુખો પાછળ દોડી રહી છે, ત્યારે કોબા ખાતે આધ્યાત્મિક ક્રાંતિ સમાન એક વિશિષ્ટ દીક્ષા મહોત્સવ સંપન્ન થયો. મૂળ ધાનેરાના વતની અને મંજુલાબેન ગીરધરલાલ મહેતા પરિવારના તેજસ્વી કોહીનૂર સમાન પિતા-પુત્રની પવિત્ર બેલડીએ તમામ ભૌતિક સુખો અને પદવીઓનો ત્યાગ કરી સંયમ પંથે પ્રયાણ કર્યું છે.

ઉચ્ચ શિક્ષણ અને વૈશ્વિક સિદ્ધિઓનો ત્યાગ

દીક્ષાર્થી પુત્ર જૈનમભાઈ ભરતભાઈ મહેતાએ વૈશ્વિક સ્તરે મેળવેલી સિદ્ધિઓ આજના યુવાનો માટે આંખો ઉઘાડનારી છે. તેમણે વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ શિકાગોમાંથી એમ.એસ.સી. ડેટા સાયન્સ એનાલીસીસ અને હોંગકોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સમાંથી ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. ટેક્નોલોજીના ક્ષેત્રમાં અપ્રતિમ સફળતા મેળવતા તેમણે વિશ્વની પ્રથમ ‘વોઈસ સંચાલિત સ્માર્ટ રીંગ’ વિકસાવી હતી, જેને આંગળીમાં પહેરવાથી તે સ્માર્ટફોન તરીકે કાર્ય કરે છે. આ સ્માર્ટ રીંગનું વિશ્વના ૬૦ જેટલા દેશોમાં સફળતાપૂર્વક વેચાણ પણ થયું હતું.

આત્મતત્વની ખોજ અને વૈરાગ્યનો ઉદય

આટલી નાની ઉંમરે અઢળક વૈભવ, વૈશ્વિક નામના અને ભૌતિક સુખો પ્રાપ્ત કરવા છતાં જૈનમભાઈના અંતરમાં પ્રશ્ન ગૂંજતો હતો કે, “આ બધી પદવીઓ અને ડિગ્રીઓ માત્ર ભૌતિક સુખ આપી શકે, પરંતુ આત્માનો સાચો આનંદ ક્યાં?” વૈભવની આ ચરમસીમાએ પણ આત્મતત્વની ઉણપ વર્તાતા તેમના ચિત્તતંત્રમાં વૈરાગ્યનો મંથનરૂપી ઉલ્કાપાત સર્જાયો. તેમને સમજાયું કે આ બધી જીતેલી બાજીઓ નકામી છે અને ડિગ્રીઓના કાગળિયાની હોડીઓ બનાવવાથી ભવસાગર તરી શકાતો નથી. અંતરના અજવાળે તેમને આત્માનો સાચો દિવ્યઘોષ સંભળાયો અને તેમણે સંયમ માર્ગ અપનાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો.

પિતા-પુત્રની બેલડીનો સંયમ પંથે મંગલ પ્રવેશ

આ પવિત્ર ભાવનાથી પ્રેરાઈને માત્ર પુત્ર જ નહીં, પરંતુ પિતા ભરતભાઈ મહેતાએ પણ સંયમનો માર્ગ પસંદ કર્યો. પ્રેક્ષા વિશ્વ ભારતી, કોબાના પવિત્ર વાતાવરણમાં આયોજિત દીક્ષા મહોત્સવમાં પૂજ્ય આચાર્ય ભગવંતોના સાનિધ્યમાં પિતા-પુત્રની આ પવિત્ર બેલડીએ દીક્ષા અંગીકાર કરી. આ પ્રસંગે ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓએ આચાર્ય ભગવંતોને વંદન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મંગલ સમયે આ સર્વસ્વ ત્યાગી આત્માઓએ સાચી શિક્ષા અને આત્મજ્ઞાનની ડિગ્રીઓ મેળવવા ધર્મ યુનિવર્સિટીના પંથે પ્રયાણ કર્યું છે. આ દીક્ષા મહોત્સવથી મહેતા પરિવારનો આ કોહીનૂર હવે ધર્માકાશમાં ધ્રુવતારાની જેમ ચમકશે. પિતા-પુત્રની આ ત્યાગભાવનાને સમગ્ર જૈન શાસન અને સમાજ ભાવપૂર્વક વંદન કરી રહ્યો છે.

પૂર્ણતા પ્રતિ પ્રયાણ કરનારા પિતા-પુત્રની બેલડીને વંદન સહ ખૂબ ખૂબ અનુમોદના!