તહેલકાના સંસ્થાપક તરુણ તેજપાલને 10 વર્ષની આકરી કેદની સજા

નવી દિલ્હી: ‘તહેલકા’ મેગેઝિનના સ્થાપક અને ભૂતપૂર્વ સંપાદક તરુણ તેજપાલને 2013ના બળાત્કાર કેસમાં બોમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે 10 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. સજા સામે અસંતોષ વ્યક્ત કરતાં તેજપાલે જણાવ્યું છે કે તેઓ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

આ પહેલાં હાઇકોર્ટે તેમને કેસમાં દોષિત જાહેર કર્યા હતા. ગોવા સરકાર દ્વારા 2021માં ગોવા સેશન્સ કોર્ટના બરી કરવાના નિર્ણયને પડકારતી અપીલ પર સુનાવણી કર્યા બાદ હાઇકોર્ટે સેશન્સ કોર્ટનો ચુકાદો રદ કરીને તેજપાલને દોષિત ઠેરવ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ માટે વધુ સમય માગ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેઓ રાજકીય કાવતરાનો ભોગ બન્યા છે.

શું છે મામલો?

આ કેસ એક મહિલા પત્રકારની ફરિયાદ સાથે જોડાયેલો છે. મહિલા પત્રકારે આરોપ લગાવ્યો હતો કે સાત અને 8 નવેમ્બર, 2013ની રાત્રે ગોવાની એક હોટેલની લિફ્ટમાં તરુણ તેજપાલે તેમનું યૌન શોષણ કર્યું હતું. આ કેસમાં 30 નવેમ્બર, 2013એ તેજપાલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 29 સપ્ટેમ્બર, 2017એ તેમના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ બળાત્કાર, યૌન શોષણ અને ગેરકાયદે રીતે રોકી રાખવાના આરોપો નક્કી કરવામાં આવ્યા હતા. જોકે તેજપાલે શરૂઆતથી જ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

બોમ્બે હાઇકોર્ટમાં શું થયું?

  • બોમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે 2021માં ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલ બરી કરવાનો નિર્ણય રદ કર્યો.
  • તરુણ તેજપાલને સહ કર્મચારી મહિલા સાથે બળાત્કાર અને મહિલાની આબરૂ ભંગ કરવા બદલ દોષિત જાહેર કરવામાં આવ્યા.
  • દોષિત જાહેર કર્યા બાદ કોર્ટે તેમને 10 વર્ષની કઠોર કેદની સજા ફટકારી.
  • સજા દરમિયાન તેમના વકીલે દલીલ કરી કે તેજપાલ રાજકીય વેરઝેરનો ભોગ બન્યા છે અને તેઓ બે દીકરીઓના પિતા હોવાથી નરમાઈ દાખવવી જોઈએ.
  • ચુકાદા બાદ તેજપાલે જણાવ્યું હતું કે તેઓ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.