બિહાર વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની તેજસ્વી યાદવની ચીમકી

પટનાઃ RJDના નેતા તેજસ્વી યાદવે ગુરુવારે કહ્યું હતું કે બિહારમાં મતદારોની યાદીની વિશેષ સમીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલી વિવાદાસ્પદ પરિસ્થિતિને પગલે તેમના પક્ષે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. વિપક્ષના નેતાએ વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે વિધાનસભા બહાર પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

સત્તારૂઢ NDA આ કામગીરીને સમર્થન આપી રહ્યું છે, કારણ કે ચૂંટણી પંચ સરકારના રાજકીય કઠપૂતળી તરીકે કામ કરી રહ્યું છે. મતદાર યાદીને લઈને જે કંઈ ચાલી રહ્યું છે એ મુદ્દે અમે ગહન વિચાર કરી રહ્યા છીએ. અમે અમારા પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરીશું અને ચૂંટણી બહિષ્કાર કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. સરકાર પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે જ્યારે બધા લોકોએ સેટ આપવાનો છે તો એવી રીતે આપી દો, આવી સ્થિતિમાં ચૂંટણીનો કોઈ અર્થ નથી રહેતો.

તેજસ્વી યાદવે વધુમાં જણાવ્યું હતું કે તેઓ અને બિહારની જનતા આશા રાખી રહી હતી કે CM નીતીશકુમાર વિધાનસભામાં જવાબ આપશે, પરંતુ એવું બન્યું નહીં. સરકારના જવાબનો સીધો અર્થ એ છે કે તે ચૂંટણી પંચની પ્રક્રિયાને સાચી માને છે, જ્યારે અમને તો એમાં ગોટાળો લાગે છે.

તેમણે દાવો કર્યો હતો કે એક જ જગ્યા પર લાખો ફોર્મ ભરીને, એકબીજાની સહી કરીને તદ્દન ગેરકાયદે રીતે તેઓ ફોર્મ ભરી રહ્યા છે. આવા ઘણા વિડિયો અમારા પાસે છે અને અમે તે જાહેર પણ કર્યા છે.

તેજસ્વી યાદવે કહ્યું કે સરકાર માત્ર આંકડાઓ પૂરા કરવા માટે આ ગોટાળા પ્રવૃત્તિને યોગ્ય ઠેરવી રહી છે. તેઓ નથી ઇચ્છતા કે ગેરકાયદે અથવા બહારથી આવેલા મતદારો મતદાન કરે. સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ દ્વારા રજૂ કરેલા દસ્તાવેજોમાં પણ જણાવાયું છે કે કોઈ વિદેશી સામેલ નથી, છતાં પણ સરકારની ભૂમિકા શંકાસ્પદ જણાય છે, એમ તેમણે કહ્યું હતું.