અમેરિકામાં નોકરી મળ્યાના એક જ અઠવાડિયામાં અકસ્માતમાં યુવકનું મોત

અમેરિકા : ન્યૂયોર્કમાં થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં તેલંગાણાના નલગોંડા જિલ્લાના મુનુગોડે વિસ્તારના રહેવાસી 25 વર્ષીય યુવક ઈરામલ્લા સાઈતેજાનું કરુણ મોત નીપજ્યું છે. સાઈતેજાને આ દુર્ઘટના બની તેના માત્ર એક અઠવાડિયા પહેલાં જ નોકરી મળી હતી.

ન્યૂયોર્ક સ્ટેટ પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માત 18 નવેમ્બર 2026ના રોજ સાંજે લગભગ 6:34 વાગ્યે કેનાજોહારી ખાતે ઈન્ટરસ્ટેટ 90 થ્રુવે (I-90)ના પૂર્વ તરફના માર્ગ પર સર્જાયો હતો. સાઈતેજા કાર ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક એક હરણ ધોરીમાર્ગ પર આવી ગયું હતું. હરણ સાથે કાર અથડાતા વાહન નિયંત્રણ બહાર જઈને ટ્રાફિક લેનમાં જ અટકી ગયું હતું.

તે જ ક્ષણે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કાર્ગો વાન સ્થિર કાર સાથે અથડાઈ હતી, જેના કારણે અન્ય બે વાહનો પણ સાંકળરૂપ અકસ્માતમાં સંડોવાયા હતા. આ ગંભીર ટક્કરમાં સાઈતેજાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને સેન્ટ મેરીઝ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સાઈતેજાની કારમાં સવાર અન્ય એક મુસાફરને પણ ગંભીર ઈજા થતા એરલિફ્ટ કરીને અલ્બાની મેડિકલ સેન્ટર દાખલ કરાયા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. જ્યારે કાર્ગો વાનમાં સવાર એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી.

ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા સાઈતેજા ન્યૂયોર્કના યુટિકામાં રહેતા હતા અને ઈરામલ્લા પ્રસાદ તથા શ્રીકન્યાના સૌથી મોટા પુત્ર હતા. અકસ્માત બાદ તપાસ અને રિકન્સ્ટ્રક્શન માટે એક્ઝિટ 29 અને 28 વચ્ચેનો માર્ગ થોડા કલાકો માટે બંધ રખાયો હતો, જે 19 નવેમ્બરે મળસ્કે 1:15 વાગ્યે ફરી શરૂ કરાયો હતો. પોલીસ દ્વારા મામલાની વધુ તપાસ ચાલી રહી છે, જ્યારે મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.