ટેલિગ્રામ ગુનેગારો અને આતંકવાદીઓનો અડ્ડોઃ હાઈકોર્ટમાં કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ ટેલિગ્રામને બ્લોક કરવાને મામલે દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે પોતાનો જવાબ દાખલ કરતાં જણાવ્યું હતું કે ટેલિગ્રામ હવે નવા ડાર્ક વેબ તરીકે ઊભરી રહ્યું છે, જ્યાં ગુનેગારો તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓનું આયોજન કરી શકે છે. કેન્દ્ર સરકારે ટેલિગ્રામની અરજીનો વિરોધ કરતાં સોગંદનામું દાખલ કર્યું છે. ટેલિગ્રામે પોતાની અરજીમાં સરકારના તે નિર્ણયને પડકાર્યો છે, જેમાં નીટ યુજીની ફરી પરીક્ષા પહેલાં 22 જૂન સુધી ભારતમાં તેના સંચાલન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારના જવાબી સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની ગયું છે, જે ગુનેગારોને એકબીજા સાથે જોડે છે. ગુનેગારોએ ઝડપથી ટેલિગ્રામને અપનાવ્યું છે અને ડીપ વેબ લિંક્સ મારફતે ડાર્ક વેબ ફોરમ સાથે જોડાયેલી ચેનલો પર લિંક્સ પોસ્ટ કરી રહ્યા છે, જેને કારણે તપાસ એજન્સીઓ માટે ગુનેગારોને શોધવા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી વધુ મુશ્કેલ બની રહી છે. સરકારે અગાઉ જણાવ્યું હતું કે મે, 2026માં યોજાનારી નીટ યુજી પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કૌભાંડમાં સંડોવાયેલા સંગઠિત ચીટિંગ નેટવર્ક દ્વારા ટેલિગ્રામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને કારણે પરીક્ષા રદ કરવી પડી હતી.

ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલયે આઈટી એક્ટ 2000ની કલમ 69A હેઠળ આદેશ જારી કરીને ભારતમાં ટેલિગ્રામ પ્લેટફોર્મ સુધીની પહોંચને 22 જૂન સુધી અવરોધિત કરી દીધી છે. અન્ય એક આદેશમાં પ્લેટફોર્મને 30 જૂન સુધી અગાઉ પોસ્ટ કરાયેલા સંદેશ માટે મેસેજ એડિટ કરવાની સુવિધા બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે 21 જૂને યોજાનારી ફરી પરીક્ષાની નિષ્પક્ષતા જાળવવા માટે આ પગલું જરૂરી હતું.