ટેલિગ્રામ એપ પર 22 જૂન સુધી કામચલાઉ પ્રતિબંધ રહેશે જારી

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટમાંથી ટેલિગ્રામને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે NEETની ફરી પરીક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધને પડકારતી ટેલિગ્રામની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ તેજસ કરિયાએ માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ, 2000ની કલમ 69A હેઠળ જારી કરાયેલા આદેશને માન્ય રાખતાં 22 જૂન સુધી ટેલિગ્રામ પર લાગેલો પ્રતિબંધ યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે.

NTAની ભલામણ પર લાગ્યો હતો કામચલાઉ પ્રતિબંધ

આરોપ છે કે ટેલિગ્રામ પ્લેટફોર્મનો ઉપયોગ પેપર લીક, નકલી પ્રશ્નપત્રોના પ્રસાર, છેતરપિંડીના નેટવર્ક અને ભ્રામક માહિતી ફેલાવવા માટે થઈ રહ્યો હતો. આને ધ્યાનમાં રાખીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ભલામણ બાદ ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય (MeitY)એ માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની કલમ 69A હેઠળ 22 જૂન સુધી ટેલિગ્રામની ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. એ ઉપરાંત મેસેજ એડિટિંગ ફીચર 30 જૂન સુધી બંધ રાખવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. ટેલિગ્રામે આ આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

કામચલાઉ પ્રતિબંધ પર ટેલિગ્રામની પ્રતિક્રિયા

કંપનીએ દલીલ કરી હતી કે 15 કરોડથી વધુ ભારતીય વપરાશકર્તાઓ આ નિર્ણયથી પ્રભાવિત થઈ રહ્યા છે અને સમગ્ર પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવો સંપૂર્ણપણે અનાવશ્યક અને અસંગત પગલું છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સમગ્ર પ્લેટફોર્મને બ્લોક કરવું પ્રમાણસર પગલું નથી.

શું છે NEET પેપર લીક વિવાદ?

NEET-UG 2026ની પરીક્ષા ત્રીજી મે 2026એ દેશભરના 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ અનેક સ્થળોએ પેપર લીક થવાના આરોપો સામે આવ્યા હતા. કેમિસ્ટ્રી અને બાયોલોજીના 120થી 140 પ્રશ્નો મૂળ પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ NTAએ 12 મેએ પરીક્ષા રદ કરી અને 21 જૂને ફરી પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી.

CBIની તપાસમાં NTAના કેટલાક અંદરના કર્મચારીઓ, વિષય નિષ્ણાતો, અનુવાદકો તેમ જ રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના કોચિંગ નેટવર્કની સંડોવણી સામે આવી હતી, જેને પગલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે પ્રશ્નપત્ર લાખો રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. આ સમગ્ર વિવાદને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી અને NTAની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા. સુપ્રીમ કોર્ટે પણ NTAને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો, ત્યાર બાદ ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.