ફિલ્મો અને OTT કન્ટેન્ટની પાયરસી પર તાત્કાલિક રોક લગાવે ટેલિગ્રામ

નવી દિલ્હીઃ સરકારે ટેલિગ્રામ પર પાયરસી સામે આકરું વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મોટા પાયે થઈ રહેલી ફિલ્મો અને OTT કન્ટેન્ટની પાયરસીને લઈને કંપનીને નોટિસ પાઠવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિગ્રામને પાયરેટેડ ફિલ્મો અને OTT કન્ટેન્ટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા અને 15 દિવસની અંદર કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ (એક્શન રિપોર્ટ) સોંપવાનો નિર્દેશ આપ્યો છે.

સરકારે નોટિસ શા માટે જારી કરી?

સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકારનો આ નિર્ણય દેશની ક્રિએટર ઇકોનોમી, ફિલ્મ ઉદ્યોગ, બ્રોડકાસ્ટર્સ, OTT પ્લેટફોર્મ્સ, નિર્માતાઓ અને વિતરકોનાં હિતોની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. ટેલિગ્રામ પર પાયરેટેડ કન્ટેન્ટના પ્રસાર અંગે લાંબા સમયથી ગંભીર આરોપો લાગતા રહ્યા છે.

યુઝરનેમ ફીચર અંગે પણ ટેલિગ્રામ પાસેથી માગ્યો હતો જવાબ

થોડા દિવસો પહેલાં IT મંત્રાલયે ટેલિગ્રામને તેના ‘યુઝરનેમ ફીચર’ અંગે પણ નોટિસ પાઠવી હતી. નોટિસમાં આ ફીચર પર સવાલ ઉઠાવતાં પૂછવામાં આવ્યું હતું કે આ પ્લેટફોર્મ છેતરપિંડી અને અન્ય વ્યક્તિને નામે ઓળખ ઊભી કરવાની ઘટનાઓને કેવી રીતે રોકી રહ્યું છે? સરકારે ટેલિગ્રામને એ પણ પૂછ્યું હતું કે તેને આ ‘યુઝરનેમ ફીચર’ ચાલુ રાખવાની મંજૂરી શા માટે આપવામાં આવવી જોઈએ?

ટેલિગ્રામ પર લાગી ચૂક્યો હતો પ્રતિબંધ

છેલ્લા કેટલાક મહિનાઓથી ટેલિગ્રામ છેતરપિંડી, ખોટા નામથી સંવેદનશીલ માહિતીના પ્રસાર અને અન્ય નિયમનકારી ચિંતાઓને કારણે સરકારની તપાસના દાયરામાં રહ્યું છે. સરકારે 22 જૂન સુધી ટેલિગ્રામ અને તેની સાથે જોડાયેલી વેબ સેવાઓ પર એક સપ્તાહ માટે પ્રતિબંધ મૂક્યો હતો. લીક થયેલા NEET મેડિકલ પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્ર, ભ્રામક સામગ્રી અને પરીક્ષાપ્રક્રિયા સંબંધિત અન્ય છેતરપિંડીયુક્ત પ્રવૃત્તિઓના પ્રસારને રોકવામાં પ્લેટફોર્મ નિષ્ફળ રહ્યું હોવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું. જોકે પ્રતિબંધની અવધિ પૂર્ણ થયા બાદ ભારતમાં ટેલિગ્રામની સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી.