સીટ વહેંચણી, CM પદને લઈને મહાગઠબંધનમાં ખેંચતાણ?

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને સીટ વહેંચણી મુદ્દે મહાગઠબંધન અંદર ચાલતી ખેંચતાણ અને તેજસ્વી યાદવને CM તરીકે પ્રોજેક્ટ કરવાનો કોંગ્રેસનોe ઇનકાર બાદ RJDપ્રમુખ લાલુપ્રસાદ યાદવ ફરીથી સક્રિય થયા છે. તેમની એકમાત્ર પ્રાથમિકતા પોતાના પુત્ર તેજસ્વી યાદવને CMની ખુરશી પર બેસાડવાની છે, જેના માટે તેઓ આરોગ્યની અનેક પડકારો હોવા છતાં સતત રાજ્યના વિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન ખબર છે કે તેજસ્વી યાદવને CM તરીકે વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની તરફથી પ્રોજેક્ટ કરવા માટે લાલુ યાદવ કોંગ્રેસ પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લાલુની ચિંતા ફક્ત વિરોધીઓથી જ નથી, પરંતુ મહાગઠબંધનમાં સહયોગી કોંગ્રેસની આનાકાની પણ છે, જે સીટ વહેંચણી અને CMપદને લઈને અનિશ્ચિતતા પેદા કરી રહી છે.

રાજકીય પંડિતોની માન્યતા મુજબ લાલુ યાદવે હવે માન્યું છે કે તેમના સીધા હસ્તક્ષેપ વિના ન તો સીટ વહેંચણી સંભવ છે અને ન તો મહાગઠબંધનમાં તેજસ્વીને સર્વસંમતિથી CMનો ચહેરો જાહેર કરી શકાય છે. તેમને ડર છે કે જો તેઓ નિષ્ક્રિય રહ્યા તો કોંગ્રેસ જેવો મોટો સહયોગી પક્ષ પછીથી કન્ની કાપી શકે છે, જેને કારણે RJDને મહાગઠબંધનમાં જ પાછળ ધકેલી શકાય છે.

આવી પરિસ્થિતિમાં લાલુ યાદવ પોતાના પરંપરાગત કોર મતબેંક (મુસ્લિમ-યાદવ)ને સાધવા માટે આક્રમક નિવેદનો આપી રહ્યા છે, તો બીજી તરફ, તેઓ પ્રાદેશિક અસ્મિતા અને વિકાસના મુદ્દાઓ ઉઠાવી નવા મતદારોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને CM નીતીશકુમાર પર તેમના હુમલા સતત તીખા થતા જઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમણે નીતીશ સરકારના 20 વર્ષના શાસનને “બે પેઢીઓને બરબાદ કરનાર” ગણાવ્યું હતું.