ભયંકર ઓફર: એક અજગર લાઓ, મફતમાં પિત્ઝા ખાઓ

નવી દિલ્હીઃ પિત્ઝાને લઈને તમે અનેક પ્રકારની ઓફરો વિશે સાંભળ્યું હશે, પરંતુ હાલમાં સોશિયલ મિડિયા પર પિત્ઝાની એક એવી ઓફર ચર્ચામાં છે કે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. અમેરિકાની એક રેસ્ટોરાં મફત પિત્ઝાના બદલામાં ‘પાયથન’ (અજગર) સ્વીકારવાનું શરૂ કર્યું છે, જેને કારણે તે ચર્ચામાં આવી છે.  ફ્લોરિડામાં હાલમાં “પાયથન ચેલેન્જ” ચાલી રહી છે અને એવરગ્લેડ્સ સિટીમાં આવેલી એક રેસ્ટોરાં અજગર લાવનારાઓને મફતમાં પિત્ઝા આપી રહી છે. આ અનોખી પહેલ પર્યાવરણના સંરક્ષણ માટેના પ્રયાસનો એક ભાગ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ દિવસોમાં ફ્લોરિડાના એવરગ્લેડ્સ વિસ્તારમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. અહેવાલ મુજબ અહીં પિત્ઝાના બદલામાં લોકો પાસેથી પૈસા નહીં પરંતુ અજગર લેવામાં આવી રહ્યા છે. એવરગ્લેડ્સ સિટીમાં આવેલી “વાઇલ્ડમેન્સ પિત્ઝા, પાસ્તા એન્ડ પાયથન” રેસ્ટોરાંના માલિક ડસ્ટિન ક્રમ (Dustin Crum)એ 2026 ફ્લોરિડા પાયથન ચેલેન્જને સમર્થન આપવા માટે આ અનોખો વિચાર રજૂ કર્યો છે. 10 દિવસ ચાલતો આ પર્યાવરણીય કાર્યક્રમ 10 જુલાઈથી 19 જુલાઈ સુધી યોજાય છે, જેનો મુખ્ય હેતુ ખતરનાક સાપોની સંખ્યા ઘટાડવાનો છે. આ દરમિયાન વ્યાવસાયિક શિકારીઓ એવરગ્લેડ્સના પર્યાવરણને બચાવવા માટે આ બાહ્ય પ્રજાતિના સરિસૃપોને પકડી કાઢે છે. આ કાર્ય માટે રોકડ ઇનામ મેળવવા લોકો વચ્ચે સ્પર્ધા પણ યોજાય છે.

અજગરના દરેક ભાગનો ઉપયોગ

બર્મીઝ પાયથન (અજગર) ફ્લોરિડાના પર્યાવરણ માટે મોટી સમસ્યા બની ગયા છે. તેને કારણે માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ અને સ્થાનિક જીવસૃષ્ટિ પણ પ્રભાવિત થઈ રહી છે. આ જ કારણસર ફ્લોરિડામાં “પાયથન ચેલેન્જ”નું આયોજન કરવામાં આવે છે. રેસ્ટોરાંના માલિક ડસ્ટિનનું માનવું છે કે નાના પ્રયાસો પણ મોટા પરિવર્તન લાવી શકે છે. તેઓ માત્ર અજગરના બદલામાં લોકોને પિત્ઝા જ નથી આપતા, પરંતુ અજગરના દરેક ભાગનો ઉપયોગ પણ કરે છે. તેમના જણાવ્યા મુજબ અજગરની ચામડીમાંથી ક્રીમ અને સાબુ બનાવવામાં આવે છે, જ્યારે તેની હાડકાંનો ઉપયોગ દાગીના (જ્વેલરી) બનાવવા માટે થાય છે.

વર્ષ 2000થી એપ્રિલ 2025 સુધી ફ્લોરિડાના કુદરતી વિસ્તારોમાંથી 23,500થી વધુ અજગરોને દૂર કરવામાં આવ્યા છે. 2017માં ચુકવણી આધારિત કાર્યક્રમ શરૂ થયા પછી પકડાયેલા અને દૂર કરાયેલા અજગરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.