પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાંથી એક મોટા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. બલૂચિસ્તાનના લાસબેલા જિલ્લામાં એન-25 રાષ્ટ્રીય રાજમાર્ગ (N-25 National Highway) પરથી પસાર થઈ રહેલા પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને એક ભયાનક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ વિસ્ફોટમાં પાકિસ્તાની સેનાના 23થી વધુ જવાનો માર્યા ગયા હોવાની આશંકા છે, જ્યારે અનેક જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.

15 વાહનોના કાફલાને બનાવાયો નિશાન
સૂત્રો અને સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના લાસબેલાના કશારી વિસ્તાર નજીક બની હતી, જ્યાં ફ્રન્ટિયર કોર્પ્સ (Frontier Corps) ના લગભગ 15 વાહનોનો કાફલો જઈ રહ્યો હતો. આ દરમિયાન થયેલા શક્તિશાળી વિસ્ફોટ બાદ સેનાના એક વાહનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. હુમલા બાદ તુરંત જ ઈજાગ્રસ્ત જવાનોને બેલા આર્મી કેમ્પ ખાતે ખસેડવામાં આવ્યા છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરીને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
BLA પર હુમલાની શંકા
આ ભયાનક હુમલા પાછળ આતંકવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) નો હાથ હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીએલએ છેલ્લા કેટલાક મહિનાઓથી બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળો, સરકારી મિલકતો અને હાઈવે પર વાહનોને સતત નિશાન બનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, લાસબેલાનો N-25 હાઈવે કરાચીને ક્વેટા સાથે જોડતો અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક માર્ગ છે. સુરક્ષા દળો દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે મૃતકોનો આંકડો જાહેર કરાયો નથી, પરંતુ આ વિસ્તારમાં વધી રહેલી હિંસાથી પાકિસ્તાન સરકાર અને સેનાની ચિંતાઓમાં ભારે વધારો થયો છે.




