થાઈલેન્ડે કમ્બોડિયા સરહદ પર કરી એર સ્ટ્રાઈક

બેન્ગકોક: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના દરેક મોટા મંચ પર અનેક યુદ્ધો રોક્યાનો દાવો કરતા રહ્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે તેમની પહેલ અને મધ્યસ્થતાને કારણે અનેક દેશો વચ્ચેના યુદ્ધ અટક્યા છે. આવાં જ યુદ્ધોમાં થાઈલેન્ડ અને કમ્બોડિયાનો વિવાદ પણ સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ પર જ બંને દેશો વચ્ચે નવેમ્બરમાં સીઝફાયર અંગે સહમતી  થઈ હતી, પરંતુ આ સમજૂતી પછી ફરી એક વાર થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે જંગનો માહોલ સર્જાયો છે. થાઈલેન્ડે કમ્બોડિયા સાથેની સરહદ વિસ્તારમાં એર સ્ટ્રાઈક કરી છે. તણાવ વધતાં બંને દેશોએ એકબીજા પર પહેલા હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

જુલાઈમાં પણ થયેલી હતી લડાઈ

ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે જુલાઈ મહિનામાં ક્ષેત્રીય વિવાદોને કારણે બંને દેશો વચ્ચે પાંચ દિવસ સુધી અથડામણ થઈ હતી, જેમાં અનેક સૈનિકો અને નાગરિકોનાં મોત થયાં હતાં. થાઈ સેનાના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઈ સુઆરીએ જણાવ્યું હતું કે કમ્બોડિયાના સૈનિકોએ અમારા અનેક વિસ્તારોમાં પહેલા ગોળાબાર કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર આ ગોળીબારમાં થાઈલેન્ડનો એક સૈનિક માર્યો ગયો અને અન્ય ચાર સિપાહીઓને ઈજા થઈ. ગોળીબાર થતાં પ્રભાવિત વિસ્તારોમાંથી નાગરિકોને ખસેડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કમ્બોડિયાના હુમલાઓને રોકવા માટે થાઈલેન્ડે કડક પગલાં લીધાં છે અને કમ્બોડિયાના અનેક વિસ્તારોમાં સૈન્ય પ્રદેશોને નિશાન બનાવવા માટે વિમાનોનો ઉપયોગ કર્યો છે.

કમ્બોડિયાએ શું આરોપ લગાવ્યો?

કમ્બોડિયાના રક્ષા મંત્રાલયની પ્રવક્તા મેલી સોચિયાતાએ જણાવ્યું હતું કે પહેલા થાઈ સેનાએ કમ્બોડિયન સૈનિકો પર હુમલો કર્યો. તેમના જણાવ્યા અનુસાર કમ્બોડિયાએ સોમવારે થયેલા શરૂઆતના હુમલાઓમાં કોઈ પ્રતિકાર કર્યો નહોતો. તેમણે માગ કરી હતી કે કમ્બોડિયા થાઈલેન્ડને અપીલ કરે છે કે તે શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકે એવી તમામ શત્રુતાપૂર્વકની પ્રવૃત્તિઓને તરત જ બંધ કરે.