થલપતિ વિજય પર નકલી સમર્થન પત્રના ઉપયોગનો આરોપ

ચેન્નઈઃ તામિલનાડુના રાજકારણમાં સરકાર રચનાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. અન્ના મક્કલ મુનેત્ર કઝગમ (AMMK) એ થલપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) પર નકલી સમર્થન પત્રનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે AMMKએ ચેન્નાઈના ગિન્ડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસના જણાવ્યાનુસાર AMMKના મહાસચિવ T. T. V. દિનાકરણ દ્વારા અરજી આપવામાં આવી છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ FIR નોંધાઈ નથી. પોલીસ હાલમાં ફરિયાદની પ્રાથમિક તપાસ કરી રહી છે.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે દિનાકરણ મોડી રાત્રે ગિન્ડી રેન્જના સહાયક પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે TVKએ રાજ્યપાલને નકલી સમર્થન પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે મન્નારગુડીના AMMK ધારાસભ્ય એસ. કામરાજે TVK સરકારને સમર્થન આપ્યું છે. દિનાકરણનો દાવો છે કે આ દસ્તાવેજ સંપૂર્ણપણે નકલી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે TVK એ સરકાર બનાવવા માટે ખોટા રસ્તાઓ અપનાવ્યા અને દલબદલવિરોધી કાયદાથી બચવાનો પ્રયાસ કર્યો. તેમનું કહેવું છે કે ધારાસભ્ય એસ. કામરાજ પોતે પણ આ દસ્તાવેજ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બીજી તરફ, TVKએ આ તમામ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. પાર્ટીએ સ્પષ્ટતા કરતાં એક વિડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં ધારાસભ્ય કામરાજ પોતાની મરજીથી સમર્થન પત્ર પર હસ્તાક્ષર કરતા જોવા મળે છે એવો TVK નો દાવો છે. પાર્ટીનું કહેવું છે કે વિરોધ પક્ષો રાજકીય કારણોસર ખોટા આરોપો લગાવી રહ્યા છે.

એ દરમિયાન તામિલનાડુના રાજકારણમાં TVK ને સમર્થન મળવાનું ચાલુ છે. પ્રાપ્ત માહિતી મુજબ VCK ટૂંક સમયમાં TVK ને સત્તાવાર સમર્થનની જાહેરાત કરી શકે છે. VCK પ્રમુખે પહેલેથી જ સંકેત આપ્યો છે કે તેમની પાર્ટી ડાબેરી પક્ષોના નિર્ણય મુજબ આગળ વધશે. ડાબેરી પક્ષો પહેલેથી જ TVKને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. TVK નેતાઓનો દાવો છે કે થલપતિ વિજય ટૂંક સમયમાં તામિલનાડુના મુખ્ય મંત્રી બની શકે છે.