ટ્રમ્પની ધમકીથી વાતાવરણ તંગઃ ઈરાને કહ્યું,  અમારી સેના જવાબ આપવા તૈયાર

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને કારણે અટવાઈ ગઈ છે. સ્વિટ્ઝર્લૅન્ડના જિનિવામાં ચાલી રહેલી બેઠકમાં ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન તેના પ્રોક્સી જૂથોને નહીં રોકે તો અમેરિકા ગયા સપ્તાહની સરખામણીએ વધુ મોટો હુમલો કરશે. આ નિવેદન બાદ ઈરાને આકરો વિરોધ નોંધાવ્યો અને અહેવાલો મુજબ ઈરાની પ્રતિનિધિમંડળ બેઠક છોડીને બહાર નીકળી ગયું હતું. મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાન અને કતારે તેમને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહોતી.

ટ્રમ્પની ધમકી, ઈરાનનો જવાબ

ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે જો ઈરાન હિજબુલ્લાને નહીં રોકે તો અમેરિકા તેના પર ગયા સપ્તાહથી પણ મોટો હુમલો કરશે. તેના જવાબમાં ઈરાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર અને મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘેર ગાલિબાફે કહ્યું હતું કે જો અમેરિકી ધમકીઓ અસરકારક હોત, તો આજે વોશિંગ્ટન આવી સ્થિતિમાં ન હોત. અમેરિકી નેતાઓએ પોતાનાં નિવેદનોમાં સાવચેતી રાખવી જોઈએ. તેઓ જે કહે તે કહે, કાર્યવાહી તો અમે જ કરીશું અને અમારી સેના અલગ રીતે જવાબ આપવા તૈયાર છે.

બેઠકમાંથી બહાર નીકળ્યું ઈરાની પ્રતિનિધિમંડળ

ટ્રમ્પની ભાષાને લઈને ઈરાને અમેરિકી પ્રતિનિધિઓ સમક્ષ વિરોધ નોંધાવ્યો અને ભારે નારાજગી વ્યક્ત કરતાં બેઠક હોલ છોડ્યો. જોકે બંને પક્ષો વચ્ચે આશરે 82 મિનિટ સુધી વિચારવિમર્શ થયો હતો.

શું હવે આગામી તબક્કાની ચર્ચા થશે?

ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAએ જણાવ્યું કે ટ્રમ્પના અપમાનજનક નિવેદન પછી વાતચીત મુશ્કેલ તબક્કામાં પહોંચી ગઈ છે. જોકે અહેવાલ મુજબ ઈરાની પ્રતિનિધિમંડળ હજી ચર્ચામાં સામેલ છે અને વાટાઘાટો છોડી દેવાનો કોઈ સંકેત આપ્યો નથી. આ દરમિયાન ઈઝરાયલે પણ જાહેરાત કરી છે કે તેની સેના દક્ષિણ લેબનાનના બ્યુ-ફોર્ટ કિલ્લા વિસ્તારમાંથી પાછી નહીં ખેંચાય.

પરમાણુ કાર્યક્રમ મુદ્દે ઈરાન અડગ

પ્રથમ તબક્કાની ચર્ચાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ખાસ કરીને પરમાણુ કાર્યક્રમના મુદ્દે સહમતી સુધી પહોંચવું સરળ નહીં હોય. ઈરાનનું કહેવું છે કે તેના પરમાણુ કાર્યક્રમને કોઈ રોકી શકશે નહીં.