ભવનાથમાં સ્નાન મામલે ઈન્દ્રભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચે થયું સમાધાન

જૂનાગઢના પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરવા બાબતે સાધુ-સંતો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ આખરે સમાધાન સાથે શાંત પડ્યો છે. મહંત ઈન્દ્રભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચેના આ વાદ-વિવાદનો અંત આવતા ગિરનારના સંત સમાજ અને ભાવિકોમાં પણ રાહતનો શ્વાસ જોવા મળ્યો છે. આ સમાધાન સાથે જ પવિત્ર ક્ષેત્રમાં ભક્તિમય વાતાવરણ ફરી એકવાર પ્રસ્થાપિત થયું છે અને તમામ ગેરસમજણો દૂર કરવામાં આવી છે.

સમાધાનના આ પ્રસંગે કીર્તિ પટેલે આદરપૂર્વક ઈન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું હતું. કીર્તિ પટેલે બાપુને શાલ ઓઢાડીને વંદન કર્યા હતા, જેના જવાબમાં ઈન્દ્રભારતી બાપુએ પણ મોટું મન રાખીને તેને આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત, હરીહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રાનંદ ગીરીબાપુનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સંતોની હાજરીમાં થયેલા આ મિલનથી સોશિયલ મીડિયા અને જાહેર પ્લેટફોર્મ પર ચાલતી ગજગ્રાહની સ્થિતિ હવે પૂર્ણવિરામ પામી છે.

આ પ્રસંગે કીર્તિ પટેલે જણાવ્યું હતું કે, ઘણા લોકોએ ભારતી પરિવાર અને સંતો વચ્ચે તિરાડ પાડવાની કોશિશ કરી હતી, પરંતુ ગિરનારી મહારાજની કૃપાથી કોઈનો મેળ પડ્યો નથી. સંતોના આશીર્વાદ મેળવ્યા બાદ હવે તમામ જૂના વિવાદોને ભૂલી જઈને નવી શરૂઆત કરવામાં આવી છે. ઈન્દ્રભારતી બાપુએ પણ ધર્મની મર્યાદા જળવાય અને શ્રદ્ધાળુઓમાં સન્માન રહે તે હેતુથી આ વિવાદને પૂર્ણ જાહેર કર્યો છે. આમ, જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં સંતો અને ભક્તો વચ્ચેનો આ વિખવાદ આખરે ભાઈચારા સાથે સમાપ્ત થયો છે.