ભારતની પ્રગતિની વિરુદ્ધ છે અનેક દેશોની તાકાતોઃ RSS પ્રમુખ

સંભાજીનગરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે બુધવારે જણાવ્યું હતું કે દુનિયાની કોઈ પણ તાકાત ઇચ્છતી નથી કે ભારત પ્રગતિ કરે, કારણ કે વૈશ્વિક શક્તિઓ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને અન્ય દેશોને દબાણમાં રાખવા માગે છે. તેઓ ‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ’ના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવે છે. તેઓ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પાંચમા પદ્મા મહોત્સવના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.

‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ’ના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવે છે વૈશ્વિક શક્તિઓ

સ્થાનિક સંસ્થા જ્ઞાનયજ્ઞ ફાઉન્ડેશન દ્વારા ત્રણ દિવસીય પદ્મા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં વિવિધ ક્ષેત્રોના પદ્મ પુરસ્કાર વિજેતાઓ એક મંચ પર એકત્રિત થાય છે અને લોકો સાથે સંવાદ કરે છે. ભાગવતે જણાવ્યું હતું કે ભારત સૌની મદદ કરવા માગે છે અને જે દેશો ભારતને નફરત કરે છે, તેમની પણ મદદ કરે છે. તેમણે કહ્યું હતું કે દુનિયાની કોઈ પણ તાકાત ઇચ્છતી નથી કે ભારત આગળ વધે, કારણ કે તેઓ માત્ર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માગે છે અને ‘સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ’ના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવે છે. તેઓ દરેકને દબાણમાં રાખવા માગે છે. જો ભારત પ્રગતિ કરશે તો તેમની દુકાનો બંધ થઈ જશે, કારણ કે ભારત સૌની મદદ કરવા માગે છે. ભારત પોતાના એવા પાડોશી દેશોની પણ મદદ કરે છે, જે તેને નફરત કરે છે.

પૂર્વ CDSએ પણ પોતાનો મત રજૂ કર્યો

આ કાર્યક્રમમાં મોહન ભાગવત સાથે મંચ પર ઉપસ્થિત રહેલા પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત)એ કહ્યું હતું કે યુવાનો ‘વિકસિત ભારત’ના નિર્માણમાં સૌથી મોટું યોગદાન આપશે અને તેના સૌથી મોટા લાભાર્થી પણ બનશે. મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ શહેરના બીડ બાયપાસ રોડ પર આવેલા MIT કેમ્પસના મંથન હોલમાં યોજાયો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે બુધવારે બપોરથી મંથન હોલમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ સત્રોનું આયોજન કરવામાં આવશે.