સરકારે EPFની વેતન મર્યાદા વધારીને રૂ. 25,000 કરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ના દાયરાને વિસ્તૃત કરતાં PF કવરેજ માટેની માસિક વેતન મર્યાદા રૂ. 15,000થી વધારીને રૂ. 25,000 કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાથી આશરે 51 લાખ કર્મચારીઓને સીધો લાભ મળશે. સરકારનું કહેવું છે કે આ પગલાથી વધુ ને વધુ કર્મચારીઓને PF અને પેન્શન જેવી સામાજિક સુરક્ષાનો લાભ મળી શકશે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ પગલાથી લાખો કર્મચારીઓની સામાજિક સુરક્ષા વધુ મજબૂત થશે. આ યોજના માટે સરકાર દર વર્ષે આશરે રૂ. 11,339 કરોડનો ખર્ચ કરશે.

તેનો શો અર્થ થાય છે?

સરકારે પ્રોવિડન્ટ ફંડ (PF) માટેની વેતન મર્યાદામાં વધારો કર્યો છે. તેનો લાભ એ થશે કે હવે અગાઉની સરખામણીએ વધુ કર્મચારીઓને PFની સુવિધા મળશે. ખાસ કરીને એવા કર્મચારીઓને તેનો લાભ મળશે, જેઓનો પગાર રૂ. 15,000થી વધુ હોવાને કારણે અત્યાર સુધી આ દાયરાની બહાર હતા.

EPFOની વેતન મર્યાદામાં છેલ્લે ક્યારે સુધારો થયો હતો?

છેલ્લે સપ્ટેમ્બર 2014માં EPFOની વેતન મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો હતો, જ્યારે તેને વધારીને રૂ. 15,000 કરવામાં આવી હતી. તે પહેલાં 2004થી 2014 દરમિયાન આ મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. સરકારે જણાવ્યું છે કે તાજેતરનો સુધારો આ સમયગાળા દરમિયાન થયેલા સતત વેતનવધારા, વધતી આવક અને ઔપચારિક રોજગારમાં થયેલા વિસ્તરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

EPFO હાલમાં કર્મચારી ભવિષ્ય નિધિ, કર્મચારી પેન્શન યોજના (EPS) અને કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ સ્કીમનું સંચાલન કરે છે. તાજેતરના EPFOના આંકડા અનુસાર સંસ્થામાં આશરે 7.68 લાખ યોગદાન આપતી સંસ્થાઓ સાથે લગભગ 7.98 કરોડ યોગદાન આપતા સભ્યો છે. જ્યારે EPS હેઠળ લગભગ 82 લાખ પેન્શનધારકોને પેન્શનનો લાભ આપવામાં આવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય તથા EPFO હવે કેબિનેટના નિર્ણયને લાગુ કરવા માટે જરૂરી કાયદાકીય અને વહીવટી પગલાં લેશે.