નવી દિલ્હીઃ કેરળની કોંગ્રેસ સરકાર સોમવારે રાજ્ય વિધાનસભામાં એક પ્રસ્તાવ રજૂ કરશે. આ પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને તેમના પદ પરથી હટાવવાની માગ કરવામાં આવશે. આ સાથે જ કેરળ વિધાનસભા મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માગ કરતો પ્રસ્તાવ રજૂ કરનારી દેશની પ્રથમ વિધાનસભા બની જશે.
વિધાનસભાના બુલેટિન અનુસાર મુખ્ય મંત્રી વી.ડી. સતીશન આ પ્રસ્તાવ રજૂ કરશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાજ્ય વિધાનસભાએ તત્કાલીન એલડીએફ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાના અમલીકરણ વિરુદ્ધના પ્રસ્તાવને પસાર કર્યો હતો. 16મી વિધાનસભાનું બીજું સત્ર સોમવારથી શરૂ થશે.
પ્રસ્તાવમાં કઈ-કઈ માગ કરવામાં આવી છે?
મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવાની માગ ઉપરાંત વિધાનસભામાં રજૂ થનારા પ્રસ્તાવમાં SIR પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિઓ દૂર કર્યા બાદ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલા તમામ પાત્ર મતદારોના મતદાનના અધિકારો પુનઃસ્થાપિત કરવાની માગ પણ કરવામાં આવશે. ત્રીજી માગ ચૂંટણી કમિશનરોની પસંદગી માટે રચાયેલી સમિતિની પુનઃરચના કરવાની રહેશે. આ સમિતિમાં વડા પ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સામેલ કરવાની માગ કરવામાં આવશે. 140 સભ્યોની કેરળ વિધાનસભામાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફના 102 સભ્યો છે, જ્યારે સીપીઆઈએમના નેતૃત્વ હેઠળના એલડીએફના 35 ધારાસભ્યો છે. ભાજપના ત્રણ ધારાસભ્યો છે.
Seeking removal of CEC Gyanesh Kumar, Kerala Assembly to move resolution today
https://t.co/Nl3LmffmvQ
— NCMOULY99 (@moulync) October 12, 2026
વિધાનસભામાં પ્રસ્તાવ પસાર થવાની શક્યતા
કોંગ્રેસ અને સીપીઆઈએમ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ને હટાવવાના રાષ્ટ્રીય અભિયાન અને વિરોધ પ્રદર્શનોનો હિસ્સો હોવાથી આ પ્રસ્તાવ વિધાનસભામાં પસાર થવાની શક્યતા છે. ભૂતકાળમાં પણ એવા અનેક પ્રસંગો સામે આવ્યા છે, જ્યારે કેરળ વિધાનસભાએ સીપીઆઈએમ અને કોંગ્રેસના સમર્થનથી સર્વસંમતિથી પ્રસ્તાવો પસાર કર્યા છે. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઊભા થયા હોવાથી તેની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવા માટે મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવાની કાર્યવાહી કરવી અનિવાર્ય છે.
આ પ્રસ્તાવમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ટેક્નિકલ ગેરરીતિઓ અને અનિયમિતતાઓ દ્વારા લઘુમતીઓ, સ્થળાંતરિત લોકો, વંચિત વર્ગો અને યુવાનોના મતદાનના અધિકારો છીનવી લેવા એ લોકતાંત્રિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. જોકે, પ્રસ્તાવમાં SIRને નામે લાખો પાત્ર મતદારોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં કેરળનો કોઈ ખાસ ઉલ્લેખ નહોતો. નોંધનીય છે કે SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કેરળમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન રાજ્યની મતદાર યાદીમાંથી પાત્ર મતદારોનાં નામ દૂર કરવામાં આવ્યાં હોવાનો આરોપ ન તો કોંગ્રેસે લગાવ્યો હતો કે ન તો સીપીઆઈએમે.




