‘નામ સિરાજ છે, એટલે ટીમમાં સ્થાન ન મળ્યું?’ કોંગ્રેસ નેતાનો મોટો આરોપ

નવી દિલ્હીઃ ન્યુ ઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી. જોકે ક્રિકેટના મેદાનનો આ મુદ્દો ભારતમાં રાજકીય મુદ્દો બની ગયો છે. ઉત્તર પ્રદેશના કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે ટીમમાંથી બહાર રાખવા સિરાજના નામ અને ઓળખને ટીમમાંથી બહાર રાખવાનું કારણ ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે  કહેવામાં આવી રહ્યું છે કે સારો દેખાવ કરવા છતાં તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેનું નામ ‘સિરાજ’ છે અને તેથી જ તેને સ્થાન આપવામાં આવ્યું નથી. આ નિવેદનથી મામલો ગરમાયો છે.

ઇમરાન મસૂદે સિરાજને લઈને શું કહ્યું?

ન્યુ ઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજને સ્થાન મળ્યું નથી. આ અંગે કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે વાતચીત કરતાં કહ્યું હતું કે કહેવામાં આવી રહ્યું છે કે સારો દેખાવ કરવા છતાં તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેનું નામ ‘સિરાજ’ છે અને તેથી જ તેને સ્થાન આપવામાં આવ્યું નથી. જો સારા પ્રદર્શન છતાં તેને પસંદ કરવામાં આવતા નથી, તો ભેદભાવ સ્પષ્ટ છે. તેમના આ નિવેદન બાદ સોશિયલ મિડિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે. ભાજપે પણ આ મુદ્દે કોંગ્રેસ અને ઇમરાન મસૂદ પર વળતો પ્રહાર કર્યો છે. ભારતથી હજારો કિલોમીટર દૂર ન્યુ ઝીલેન્ડમાં રમાઈ રહેલી મેચનો મુદ્દો ભારતમાં રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે.

ક્રિકેટમાં વોટબેંકનું રાજકારણ બંધ કરે કોંગ્રેસ: ભાજપ

ઇમરાન મસૂદના આરોપો પર ભાજપે તીખી પ્રતિક્રિયા આપી હતી. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ પર ક્રિકેટ ટીમની પસંદગીને સાંપ્રદાયિક રંગ આપવાનો અને વોટબેંકના રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભંડારીએ કહ્યું કે કોંગ્રેસ હવે ક્રિકેટ ટીમની પસંદગીમાં પણ વોટબેંકનું રાજકારણ કરી રહી છે. તેમણે એ પણ યાદ અપાવ્યું કે સિરાજ ઉપરાંત રવીન્દ્ર જાડેજાને પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી. આવા સંજોગોમાં કોઈ એક ખેલાડીના ધર્મને પસંદગી ન થવાનું કારણ ગણાવવું ખોટું છે. તેમણે કહ્યું હતું કે દરેક ક્રિકેટર ભારતીય ટીમની જર્સી પહેરીને દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી ટીમને વહેંચવાને બદલે રમત પર ધ્યાન આપવું જોઈએ.