પશ્ચિમ બંગાળમાં નવી સરકારનો શપથ ગ્રહણ નવ મેએ યોજાશે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં નવી સરકારના ગઠનની પ્રક્રિયા ઝડપી બની ગઈ છે અને શપથ ગ્રહણની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. ભાજપના રાજ્યાધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું છે કે રાજ્યના નવા મુખ્ય મંત્રીનો શપથ ગ્રહણ સમારોહ નવ મેએ યોજવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના નવા મુખ્ય મંત્રીનો શપથ ગ્રહણ સમારોહ નવ મેએ થશે. ભાજપાધ્યક્ષે જણાવ્યું હતું કે નવ મેએ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ છે.

ભાજપની ઐતિહાસિક જીત બાદ હવે સૌની નજર એ પર છે કે પાર્ટી મુખ્ય મંત્રી તરીકે કોને જવાબદારી સોંપે છે. પાર્ટી નેતૃત્વ અને વિધાનસભ્યો વચ્ચે બેઠકનો દોર ચાલુ છે, જેમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે.

તેમણે બંગાળમાં તોડફોડની ઘટનાઓ પર કહ્યું હતું કે કેટલાંક સ્થળોએ લોકોએ ભાજપનો ધ્વજ લઈને તોડફોડ કરી હતી. અમે તેની નિંદા કરીએ છીએ. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે જો કોઈ આવું કરશે તો અમને તેને પાર્ટીમાંથી બહાર કરવાની ફરજ પડશે. પશ્ચિમ બંગાળને લઈને દેશમાં ઉજવણી થઈ હતી. હવે અમારી સામે ખૂબ મોટા પડકારો છે. અમે તે સાથે આગળ વધી રહ્યા છીએ. અમે અમારા કાર્યકર્તાઓને કહેવા માગીએ છીએ કે શાંતિ રાખે અને કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચાડે.

મોદીએ પહેલેથી જ સંકેત આપ્યો હતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ તારીખનો સંકેત પહેલેથી જ પોતાના અંતિમ ચૂંટણી ભાષણમાં આપી દીધો હતો. બેરાકપુરની રેલીમાં તેમણે કહ્યું હતું હતું કે  ચોથી મેનાં પરિણામો બાદ હું ફરી બંગાળ આવીશ અને ભાજપના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપીશ.

બંગાળમાં ભાજપની જીત પર પીએમ મોદીની પ્રતિક્રિયા

સોમવારે ઐતિહાસિક જનમત સામે આવ્યા બાદ PM મોદીએ નવી દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતાં રવીન્દ્રનાથ ટાગોરના આદર્શોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપનો સંકલ્પ એવું બંગાળ બનાવવાનો છે જ્યાં મન ભયમુક્ત હોય અને મસ્તક ઊંચું રહે, જે ગુરુદેવ ટાગોરની અમર પંક્તિઓની ભાવનાને દર્શાવે છે.