લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની કામગીરીને લઈને સતત સવાલો ઉઠાવી રહ્યા છે. હવે શિકાગો યુનિવર્સિટીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ જ હવે દબાણથી કંટાળી ગયા છે અને વિપક્ષને અંદરની માહિતી આપી રહ્યા છે.

શિકાગો યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર રોબર્ટ પેપ સાથેની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે ચૂંટણીમાં ગેરરીતિઓ અને નુકસાન થવા છતાં વિપક્ષ ચૂંટણીનો બહિષ્કાર નહીં કરે. તેમના મતે, જો વિપક્ષ ચૂંટણીમાં ભાગ લેવાનું બંધ કરી દે તો દેશનું લોકતાંત્રિક માળખું જ ખતમ થઈ જશે.
‘ચૂંટણી પંચના અધિકારીઓ જ માહિતી આપી રહ્યા છે’
રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને ચૂંટણી પંચની અંદરથી જ માહિતી મળી રહી છે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ હવે એવું કહી રહ્યા છે કે તેઓ આ રીતે વધુ કામ કરી શકે તેમ નથી. રાહુલના મતે, વર્તમાન વ્યવસ્થા તૂટી પડવામાં હવે માત્ર સમયની જ વાર છે.
તેમણે વધુમાં કહ્યું કે લોકશાહી પર સવાલ ઉઠાવતા પહેલાં તેમની પાસે 100 ટકા નહીં, પરંતુ 200થી 300 ટકા સુધીના પુરાવા હોવા જરૂરી છે. વિપક્ષની રણનીતિ ચૂંટણીનો બહિષ્કાર કરવાની નહીં, પરંતુ ચૂંટણીમાં થઈ રહેલી ગેરરીતિઓને લોકો સમક્ષ લાવવાની છે, જેથી દેશના નાગરિકો પોતે સમગ્ર વ્યવસ્થાની સ્થિતિ સમજી શકે.
‘ચૂંટણીનો બહિષ્કાર કરીએ તો લોકશાહી ખતમ થઈ જશે’
રાહુલ ગાંધીએ કહ્યું,”ભારતીય લોકશાહી અમારા માટે પવિત્ર છે. જ્યાં સુધી મારી પાસે 100 ટકા, 200 ટકા કે 300 ટકા પુરાવા ન હોય ત્યાં સુધી ભારતીય લોકશાહીમાં કોઈ સમસ્યા છે એવું કહેવું પણ મારા માટે મુશ્કેલ છે. જો અમે એવું કહીએ કે અમે ચૂંટણીમાં ભાગ નહીં લઈએ તો એ જ ક્ષણે ભારતીય લોકશાહી ખતમ થઈ જશે. અમે લોકશાહીના માળખાને નષ્ટ કરવા માગતા નથી. તેથી અમારી રણનીતિ એ છે કે જે કંઈ થઈ રહ્યું છે તેને લોકો સમક્ષ લાવવામાં આવે અને આ મુદ્દે ચર્ચા ચાલુ રાખવામાં આવે, જ્યાં સુધી દેશના લોકોને સમગ્ર વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિનો અહેસાસ ન થાય.”
અગાઉ કોલંબિયા યુનિવર્સિટીમાં પણ કર્યો હતો ‘વોટ ચોરી’નો દાવો
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ રાહુલ ગાંધીએ ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ભારતમાં ‘વોટ ચોરી’ અને ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ હોવાનો દાવો કર્યો હતો. તેમના આ નિવેદન બાદ ભાજપે પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સતત ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની કામગીરીને લઈને પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે.






