પેપર લીક મુદ્દે બિલ મુદ્દે વિરોધ પક્ષ સરકારને લોકસભામાં ઘેરશે

નવી દિલ્હીઃ સરકાર આજે લોકસભામાં પેપર લીક રોકવા માટેના કાયદાને વધુ કડક બનાવવા માટે એક બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. જોકે નીટ (NEET) વિવાદને લઈને ઊભો થયેલો રાજકીય વિવાદ હજુ શમતો દેખાતો નથી. શનિવારે સરકાર દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિત કેટલીક મુખ્ય માગો સ્વીકાર્યા બાદ CJPએ આંદોલન પાછું ખેંચી લીધું હતું, પરંતુ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની અન્ય પાર્ટીઓએ સરકાર પર દબાણ જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

વિરોધ પક્ષ નીટ પેપર લીક વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત બળપ્રયોગને મુદ્દે સંસદમાં તાત્કાલિક ચર્ચાની માગ કરવાની તૈયારીમાં છે. તેઓ પેલેટ ગનના કથિત ઉપયોગ, 20 જુલાઈના પ્રદર્શન દરમિયાન સાદા કપડામાં સુરક્ષા કર્મચારીઓની તૈનાતી અને અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયાને મુદ્દે સરકાર પાસેથી જવાબ માગશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જવાબદારી નક્કી કરવા માટે ગૃહ મંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે.

સરકાર લાવી રહી છે કડક કાયદો, આજે બિલ થશે રજૂ

વિરોધ પક્ષના ભારે વિરોધ વચ્ચે સરકાર સોમવારે લોકસભામાં ધ પબ્લિક એક્ઝામિનેશન્સ પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એમેન્ડમેન્ટ બિલ, 2026’ રજૂ કરવા જઈ રહી છે. આ પ્રસ્તાવિત કાયદા હેઠળ પેપર લીકના કેસોની સુનાવણી માટે દરેક રાજ્યમાં ફાસ્ટ-ટ્રેક અદાલતો બનાવવાની અને બે મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદા મુજબ દોષિતોને 10 વર્ષ સુધીની જેલ અને રૂ. 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે પેપર લીક સાથે જોડાયેલા સંગઠિત ગુનાઓ માટે દંડની રકમ વધારીને રૂ. 10 કરોડ સુધી કરવાનો પ્રસ્તાવ છે.

રાહુલ ગાંધીએ ગૃહમંત્રીને પૂછ્યા કડક સવાલો

ગૃહ મંત્રી અમિત શાહને લખેલા પત્રમાં રાહુલ ગાંધીએ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત બર્બર હુમલા માટે જવાબદારી નક્કી કરવાની માગ કરી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું ગૃહ મંત્રીએ યુવાઓ સામે પેલેટ ગન જેવા ઘાતક હથિયારના ઉપયોગની મંજૂરી આપી હતી?

TMCએ કામ રોકો નોટિસ આપી

રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)નાં ઉપનેતા સાગરિકા ઘોષે નિયમ 267 હેઠળ સોમવારે સભાની કાર્યવાહી સ્થગિત કરવાની નોટિસ આપી છે. તેમણે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું નાગરિકોનો બંધારણીય અધિકાર છે, પરંતુ સુરક્ષા એજન્સીઓએ વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે ઘાતક અને અર્ધઘાતક બળનો ઉપયોગ કર્યો છે.