બાંગ્લાદેશના આઝાદીના દિને શેખ હસીના સ્વદેશ પરત ફરવાની શક્યતા

નવી દિલ્હીઃ બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ ભારતમાં બે વર્ષથી વધુ સમયના નિવાસ બાદ પોતાના વતન પરત ફરવાની તારીખ નક્કી કરી છે. અવામી લીગનાં નેતા 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે. આ તારીખ પાકિસ્તાન સાથેના 1971ના મુક્તિ સંગ્રામના અંતની વર્ષગાંઠ છે.

આ પ્રથમ વખત છે જ્યારે શેખ હસીનાએ સ્વદેશ પરત ફરવાની કોઈ ચોક્કસ તારીખ નક્કી કરી છે. આ પગલાંથી દક્ષિણ એશિયાના આ દેશમાં રાજકીય અને કાનૂની તણાવ વધી શકે છે, જ્યાં તેમની પાર્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

5 ઓગસ્ટ, 2024એ ભારત આવ્યાં હતાં શેખ હસીના

તેમના પ્રવક્તા સૈયદ મોજમ્મેલ અલીએ જણાવ્યું હતું કે  પાંચ ઓગસ્ટ, 2024એ શેખ હસીનાને બાંગ્લાદેશના વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યાં હતાં. હવે તેઓ સરકાર પાસે દિલ્હીથી ઢાકા પરત જવા માટે હવાઈ મુસાફરીની વ્યવસ્થા કરવાની માગ કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે બંધારણની વિરુદ્ધની પરિસ્થિતિઓમાં તેમને નિર્વાસનમાં મોકલ્યા બાદ હવે સરકારની જવાબદારી છે કે 16 ડિસેમ્બરે વિજય દિવસે તેમની બાંગ્લાદેશ વાપસી શક્ય બનાવે.

હસીનાએ બાંગ્લાદેશ સરકારને તેમની વાપસી માટે દેશની સરકારી એરલાઇન બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ’ની વ્યવસ્થા કરવા પણ વિનંતી કરી છે. એ સાથે જ જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવાની માગ કરી છે. જોકે બાંગ્લાદેશ સરકાર તરફથી આ અંગે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

શેખ હસીનાની ધરપકડ નિશ્ચિત

બાંગ્લાદેશના એક મંત્રીએ જણાવ્યું હતું કે શેખ હસીના પરત ફરશે તો તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવશે. એ સાથે જ તેમને પરત લાવવા માટે કોઈ વિમાન મોકલવા અંગે ભારત સાથે કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી. વિદેશ બાબતોનાં રાજ્યમંત્રી શમા ઓબૈદ ઇસ્લામે કહ્યું હતું કે તેઓ બાંગ્લાદેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે કે તરત જ તેમની ધરપકડ કરવામાં આવશે. તેમને જેલમાં મોકલવામાં આવશે અને કાયદો પોતાનું કામ કરશે.