નવી દિલ્હીઃ દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે બ્રિક્સ સમિટ યોજાવાની છે. બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવશે કે નહીં, તે અંગેનું રહસ્ય હવે દૂર થઈ ગયું છે. હા, બ્રિક્સ સમિટ 2026 માટે શી જિનપિંગ ભારત આવી રહ્યા છે. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શનિવારે દ્વિપક્ષી મુલાકાત યોજાશે.
શી જિનપિંગની ભારત મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ છેલ્લે 2019માં ભારત આવ્યા હતા. ગલવાન હિંસા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો હતો. વડા પ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાતને એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીનના સંબંધોમાં સુધારાના સંકેતો જોવા મળ્યા છે. બંને દેશોએ સરહદ સાથે જોડાયેલા મુદ્દાઓ વચ્ચે વાતચીત અને પરસ્પર સંપર્ક વધારવાની દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું છે.
Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping are set to hold a historic bilateral meeting this Saturday at the BRICS Summit in Delhi.
pic.twitter.com/Q5G7GgWnoF— sushil kadam (@imsushilkadam) September 10, 2026
બ્રિક્સ બેઠકમાં સામેલ થવા આવશે શી જિનપિંગ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ બેઠકમાં ભાગ લેવા માટે શનિવારે જ દિલ્હી પહોંચશે. ભારત આ બેઠકની યજમાની કરી રહ્યું છે. બ્રિક્સ વિશ્વની મુખ્ય ઊભરતાં અર્થતંત્રોનું એક જૂથ છે. ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા તેના મુખ્ય સભ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ જૂથનું વિસ્તરણ પણ થયું છે. ભારત સતત કહી રહ્યું છે કે બંને દેશોના સંબંધોને આગળ વધારવા માટે સરહદ પર શાંતિ અને સ્થિરતા જરૂરી છે. બીજી તરફ, ચીન પણ ભારત સાથેના સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં વાતચીત કરતું રહ્યું છે.
બ્રિક્સ શિખર સંમેલનનું શેડ્યુલ
નવી દિલ્હીના ભારત મંડપમમાં 12 અને 13 સપ્ટેમ્બરે 18મા બ્રિક્સ શિખર સંમેલનની યજમાની કરવામાં આવશે. ભારતની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકની સત્તાવાર થીમ ‘બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી’ રાખવામાં આવી છે. બે દિવસીય સંમેલનમાં બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ ઉપરાંત ભાગીદાર દેશો અને આમંત્રિત દેશોના ટોચના નેતાઓ પણ ભાગ લેશે. ભારતની અધ્યક્ષતા દરમિયાન 25થી વધુ શહેરોમાં 350થી વધુ બેઠકો અને ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.




