નવી દિલ્હીઃ ઓગસ્ટ, 2026માં છૂટક મોંઘવારી વધીને 4.82 ટકા પર પહોંચી ગઈ, જે જુલાઈમાં 4.45 ટકા હતી. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત મોંઘવારીમાં આ વધારો મુખ્યત્વે ખાદ્ય અને પીણાંની કિંમતોમાં થયેલા વધારાને કારણે થયો છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા CPI આંકડા અનુસાર ઓગસ્ટમાં ખાદ્ય મોંઘવારી દર વધીને 5.95 ટકા થયો છે, જ્યારે અગાઉના મહિને તે 5.52 ટકા હતો.
રિઝર્વ બેન્કે 2026-27 માટે CPI મોંઘવારી દરનો અંદાજ 5 ટકા રાખ્યો છે. તેમાં બીજા ક્વાર્ટર (Q2) માટે 4.7 ટકા, ત્રીજા ક્વાર્ટર (Q3) માટે 5.9 ટકા અને ચોથા ક્વાર્ટર (Q4) માટે 5.5 ટકા મોંઘવારીનો અંદાજ મૂકવામાં આવ્યો છે. મોંઘવારીની ચિંતા વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે તાજેતરમાં મુખ્ય ટૂંકા ગાળાના નીતિ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIનો સત્તાવાર લક્ષ્યાંક મોંઘવારી દરને 2 ટકાથી 6 ટકાની સ્વીકાર્ય મર્યાદામાં રાખવાનો છે. જથ્થાબંધ ભાવ આધારિત મોંઘવારી દર પણ જુલાઈના 9.78 ટકાથી વધીને ઓગસ્ટમાં 9.92 ટકા થયો છે. આ વધારા પાછળ ખાદ્ય ચીજવસ્તુઓ, ઈંધણ અને મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોની વધતી કિંમતો મુખ્ય કારણ રહી છે.
ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારીમાં પણ વધારો
સરકારે સોમવારે જથ્થાબંધ મોંઘવારીના આંકડા પણ જાહેર કર્યા છે, જેમાં વધારો જોવા મળ્યો છે. દેશમાં જથ્થાબંધ મોંઘવારી ઓગસ્ટમાં સતત વધીને 9.92 ટકા પર પહોંચી ગઈ છે. ખાદ્ય ચીજવસ્તુઓ, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનો તેમ જ ઈંધણ અને વીજળીની કિંમતોમાં થયેલો વધારો તેનું મુખ્ય કારણ રહ્યું છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત મોંઘવારી દર જુલાઈના 9.78 ટકાથી વધીને ઓગસ્ટમાં 9.92 ટકા થયો છે. ઓગસ્ટમાં સૌથી વધુ દબાણ ખાદ્ય ચીજવસ્તુઓ, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનો તેમ જ ઈંધણ અને વીજળીની કિંમતોમાં જોવા મળ્યું. ખાદ્ય ચીજવસ્તુઓના ઈન્ડેક્સમાં મોંઘવારી દર જુલાઈના 6.65 ટકાથી વધીને ઓગસ્ટમાં 7.05 ટકા થયો છે, જેને કારણે રોજિંદા ઉપયોગની જરૂરી ચીજવસ્તુઓ વધુ મોંઘી બની છે.




