ઇન્ડિયા એલાયન્સની અંદર JPCને લઈને ફૂટ

નવી દિલ્હી: સંસદમાં રજૂ થયેલા ત્રણ મહત્વનાં બિલોને લઈને વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોકમાં દરાર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ બિલોમાં એવી જોગવાઈ છે કે જો કોઈ કેન્દ્રીય અથવા રાજ્ય મંત્રી 30 દિવસ સુધી જેલમાં રહેશે તો તેને પદ પરથી હટાવવા પડશે. આ બિલોની તપાસ માટે સરકારે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) બનાવવાનો નિર્ણય કર્યો છે, પરંતુ આ મુદ્દે વિપક્ષ વહેંચાયેલો જોવા મળે છે.

આમ આદમી પાર્ટીએ (AAP) સ્પષ્ટ કરી દીધું કે તે JPCમાં સામેલ નહીં થાય. તે પહેલાં તૃણમૂલ કોંગ્રેસ પણ આ પ્રક્રિયાથી દૂર રહેવાનું એલાન કરી ચૂકી હતી. હવે સમાજવાદી પાર્ટી અને શિવસેના (UBT)એ પણ એ જ માર્ગે જવાનો સંકેત આપ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ મૂંઝવણમાં છે. શરૂઆતમાં પાર્ટીએ સંકેત આપ્યો હતો કે તે સામેલ થઈને અસહમતી નોંધાવી શકે છે, પરંતુ હવે તે દબાણની સ્થિતિમાં છે.કોંગ્રેસે શરૂઆતમાં JPCમાં જોડાઈને પોતાનો વિરોધ નોંધાવવાની વ્યૂહરચના બનાવી હતી. ડાબેરી પક્ષો અને RSPએ પણ આવો જ અભિગમ અપનાવ્યો છે, પરંતુ જેમ-જેમ AAP, TMC, સમાજવાદી પાર્ટી અને શિવસેના (UBT) બહાર થવા લાગી, તેમ કોંગ્રેસ પર વિપક્ષી એકતા જાળવવાનું દબાણ વધતું ગયું છે.

વિપક્ષના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે હકીકતમાં તમામ પાર્ટીઓ બિલના વિરોધમાં છે. ફરક ફક્ત એટલો છે કે કેટલીક પાર્ટીઓ JPCમાં જોડાઈને વિરોધ દર્શાવવા ઇચ્છે છે, જ્યારે કેટલીક બહાર રહીને પોતાનો વિરોધ નોંધાવવા ઇચ્છે છે. એ જ સમયે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે મોદી સરકાર ગેરબંધારણીય બિલ લાવી રહી છે. તેનો હેતુ વિપક્ષી નેતાઓને જેલમાં નાખવાનો અને તેમની સરકારો પાડી નાખવાનો છે.