નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે NCERTના ધોરણ 8ના સોશિયલ સાયન્સના પાઠ્યપુસ્તકમાં સમાવાયેલ “ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર” સંબંધિત અધ્યાય મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે. ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને આ પુસ્તકની ઓનલાઇન ઉપલબ્ધ PDF નકલ તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી હતી.
શું છે સમગ્ર મામલો?
આ વિવાદ NCERT દ્વારા પ્રકાશિત ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના પુસ્તક સાથે જોડાયેલો છે. આ પુસ્તકના એક ચેપ્ટર — અમારા સમાજમાં ન્યાયપાલિકાની ભૂમિકા — હેઠળ “ન્યાયપાલિકાનો ભ્રષ્ટાચાર” નામનું ચેપ્ટર સામેલ કરવામાં આવ્યું હતું. આ જ મુદ્દાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે, જેને કારણે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો.
સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કેમ લીધો?
NCERTના ધોરણ 8ના પુસ્તકમાં “ન્યાયપાલિકાનો ભ્રષ્ટાચાર” વિષય સામેલ કરવામાં આવતાં વરિષ્ઠ વકીલ કપિલ સિબલ અને અભિષેક મનુ સિંઘવીએ આ મુદ્દો કોર્ટ સમક્ષ ઉઠાવ્યો હતો. ત્યાર બાદ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી પીઠે સંકેત આપ્યો કે કોર્ટ પહેલેથી જ આ મામલે સુઓ મોટો (સ્વતઃ સંજ્ઞાન) લીધું છે.
આ સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું હતું કે તેઓ જાણવા માગે છે કે આ ચેપ્ટરના પ્રકાશન માટે જવાબદાર વ્યક્તિ કોણ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ન્યાયપાલિકાના ગૌરવને ઠેસ પહોંચાડતી કોઈ પણ સામગ્રી સહન કરવામાં આવશે નહીં.
કેન્દ્ર સરકારનો અભિગમ શો રહ્યો?
સુનાવણી દરમિયાન ભારત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને ખાતરી આપી છએ કે કેન્દ્ર સરકાર ન્યાયપાલિકાની સાથે છે અને સુપ્રીમ કોર્ટ જે પણ આદેશ આપશે તેનું પાલન કરવામાં આવશે. ત્યારબાદ કોર્ટે સરકારને સૂચના આપી કે પુસ્તકની ઓનલાઇન ઉપલબ્ધ PDF નકલ તાત્કાલિક દૂર કરવા માટે જરૂરી આદેશો જારી કરવામાં આવે.
આગળ શું થઈ શકે?
કોર્ટ આ મામલે જવાબદાર અધિકારીઓની ઓળખ કરી શકે છે અને તેમની પાસેથી સ્પષ્ટીકરણ માગવામાં આવી શકે છે. તેમ જ ભવિષ્યમાં પાઠ્યપુસ્તકોની સામગ્રીની સમીક્ષા પ્રક્રિયા વધુ કડક બનાવવાના આદેશો પણ સુપ્રીમ કોર્ટ તરફથી આવી શકે છે.




